ધનસુરા તાલુકાના વડાગામ ખાતે વણઝારા(રાઠોડ) સમાજ મોટી સંખ્યા દ્વારા રામદેવપીર મહારાજના મંદિરે નેજા ચડાવવામાં આવ્યા, મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભાવિ ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા હતા, રામદેવપીર એટલે તો બારબીજના ધણી, ભાદરવા સુદ એકમથી ભાદરવા સુદ નોમ સુધી રામદેવપીરના નોરતાની અનેક જગ્યાએ ઉજવણી થાય છે, આ નવ દિવસ એટલે તો રામાપીરની વંદનાનો સર્વ શ્રેષ્ઠ અવસર, સમગ્ર ભારતમાં જ્યાં રામાપીરના ભક્તો છે તેઓ હર્ષથી આ ઉત્સવને ઉજવે છે, સવિશેષ તો ગુજરાત અને રાજસ્થાનમાં રામદેવપીરનો મહિમા અને તેમના અનુયાયીઓની સંખ્યા વધુ છે, શ્રદ્ધાળુઓ આ નવ દિવસ દરમિયાન રામાપીર માટે ભજનો ગાય છે, કેટલાંક લોકો ઉપવાસ પણ રાખે છે, તો ઘણાં રામદેવપીરને લીલા નેજા અને લીલા ઘોડા ચઢાવી આભાર વ્યક્ત કરે છે, તો આ જ નવરાત્રિ દરમિયાન આવતી ભાદરવા સુદ બીજ એ રામાદેવપીરનો જન્મદિવસ મનાય છે. બારબીજના ધણી એવા રામદેવપીરનો જન્મ લગભગ 600 વર્ષ પૂર્વે વિ.સં.1409ની ભાદરવા સુદ બીજના દિવસે થયો હતો, રાજસ્થાનના બાડમેર જિલ્લામાં કાશ્મીર નામે ગામ આવેલું છે, આજે આ સ્થાન રામદેવરા તરીકે પ્રસિદ્ધ છે, કહે છે કે ત્યાં માતા મિનળદેવી અને પિતા અજમલ રાયને ત્યાં સ્વયં દ્વારિકાધીશે પુત્ર રૂપે પ્રાગટ્ય કર્યું હતું, અજમલ રાય મહાદેવના પરમ ભક્ત અને પોકરણના રાજવી હતા.
તેમને કોઈ સંતાન ન હોઈ તેઓ કાશી વિશ્વનાથના દર્શને ગયા, જ્યાં તેમની ભક્તિથી પ્રસન્ન થઈ શિવજી તેમના સ્વપ્નમાં આવ્યા અને તેમની મનોકામના પૂર્તિ માટે દ્વારિકા જવા નિર્દેશ કર્યો, અજમલ રાય પત્ની મિનળ દેવી સાથે દ્વારિકાધીશને ધામ પહોંચ્યા, દંતકથા એવી છે કે ભગવાનને રીઝવવા અજમલ રાયે સમુદ્રમાં છલાંગ લગાવી દીધી, સમુદ્રની અંદર રહેલી પ્રાચીન બેટ દ્વારકામાં તેમને સાક્ષાત શ્રીહરિના દર્શન થયા. અજમલજીએ તો દ્વારિકાધીશને જ પુત્ર તરીકે પામવાની ઈચ્છા વ્યક્ત કરી દીધી અને ત્યારે દ્વારિકાધીશે અજમલજીના બીજા પુત્રના રૂપમાં જન્મ લેવાનું વચન આપ્યું, અને પછી વિરમદેવ બાદ રામદેવ તરીકે રાણી મિનળદેવીની કુખે સ્વયં શ્રીહરિનું અવતરણ થયું, એક માન્યતા મુજબ રામદેવપીરનું પ્રાગટ્ય થયું ત્યારે ખંડમાં કંકુના પગલા પડ્યા હતા, એવું પણ કહે છે કે સ્વયં ભોળાનાથ પણ રામદેવીપીરના દર્શને આવ્યા હતા.