પોલીસને સીતાપુર રોડની બાજુમાં આવેલી પાલ રેસ્ટોરન્ટમાં એક ધમકીભર્યો પત્ર મળ્યો હતો
ખાસ-ખબર સંવાદદાતા
ઉત્તર પ્રદેશના અયોધ્યામાં આવેલા રામ મંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના એક દિવસ બાદ મંદિરને સામાન્ય નાગરિકો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું, ત્યારથી અત્યાર સુધીમાં લાખો શ્રદ્ધાળુઓએ પ્રભુ રામના દર્શન કર્યા છે. દેશભરમાંથી દરરોજ લાખો રામભક્તો રામ મંદિરમાં રામલલાના દર્શન કરવા આવે છે ત્યારે હવે રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે તેની સાથે લખનઉના બક્ષીના તળાવ ને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી છે. પોલીસને સીતાપુર રોડની બાજુમાં આવેલી પાલ રેસ્ટોરન્ટમાં એક ધમકીભર્યો પત્ર મળ્યો હતો. આ પછી મંદિરની સુરક્ષા સાથે જોડાયેલી ગુપ્તચર એજન્સીઓ પહેલા કરતા વધુ સતર્ક થઈ ગઈ છે. આ ધમકીભર્યો પત્ર મળ્યા બાદ પોલીસે ગુરુવારે મોડી રાત્રે અજાણ્યા લોકો સામે કેસ નોંધીને તપાસ હાથ ધરી હતી. પોલીસને મળેલા આ ધમકીભર્યા પત્રમાં અનેક આપત્તિજનક શબ્દો અને એક યુવતીનો નંબર પણ લખવામાં આવ્યો છે. આ ઉપરાંત પત્રમાં દેશવિરોધી સૂત્રોચ્ચાર અને સામાજિક સમરસતાને ખલેલ પહોંચાડી શકે તેવા અન્ય વાંધાજનક શબ્દો પણ લખ્યા છે. પોલીસે તપાસ દરમિયાન પત્રમાં લખેલા યુવતાના નંબર પર ફોન કર્યો તો જાણવા મળ્યું કે આ પ્રકારના પત્ર ઘણા દિવસોથી અલગ-અલગ જગ્યાએ ફેંકવામાં આવી રહ્યા હતા. જેમાં પણ આ જ નંબર લખેલા હતા. જેનો નંબર પત્રમાં લખેલો છે તે યુવતીએ બે દિવસ પહેલા જ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હવે અજાણ્યા લોકો સામે ગુનો નોંધીને આ મામલે તપાસ શરૂ કરી છે. પોલીસને મળેલા ધમકીભર્યા પત્રમાં ઝોયા ખાન અને ઝુબેર ખાનના નામનો ઉલ્લેખ છે.
- Advertisement -
આજથી અયોધ્યામાં રામલલ્લા બપોરે 12.30થી 1.30 વિશ્રામ કરશે
એક કલાક મંદિરના કપાટ બંધ રહેશે
રામમંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામલલાના દર્શને રોજ મોટી સંખ્યામાં ભાવિકો દર્શને આવે છે. શુક્રવાર સુધી તો કોઈપણ વિરામ વિના રામલલાના દર્શન રાતના 10 વાગ્યા સુધી થઈ રહ્યા હતા.પરંતુ હવે રામલલાના દર્શનની વ્યવસ્થામાં પરિવર્તન કરાયું છે. આજથી શનિવારથી બપોરે 12.30 વાગ્યાથી 1.30 વાગ્યા સુધી રામલલા વિશ્રામ કરશે. આ દરમિયાન મંદિરના કપાટ બંધ રહેશે. ઉલ્લેખનીય છે કે પ્રાણ પ્રતિષ્ઠા બાદ રામભકતોની ભીડ જોઈને સવારે 7થી રાત્રે 10 વાગ્યા સુધી રામલલાના દર્શનની વ્યવસ્થા કરાઈ હતી.