ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
શ્રી રામ જન્મોત્સવ નિમિત્તે બાયપાસ રોડ પર આવેલા ભક્તિભાવથી ભરેલા પ્રો.પી. બી. ઉન્નડકટ્ટ સ્થાપિત જલારામ ભક્તિધામ ખાતે રામ જન્મની વિશેષ ઉજવણી ભારે ભવ્યતા અને ઉત્સાહભેર કરવામાં આવી. જય જય શ્રી રામના ગગનભેદી નાદ સાથે આખું પ્રાંગણ ગુંજી ઉઠ્યું હતું. ભગવાન શ્રીરામના અવતરણ પર્વે ભક્તિભાવથી ભરેલા ભાવિકો રામના રટણ સાથે ઝૂમી ઉઠ્યા હતા.
અયોધ્યામાં જેમ રામ જન્મ મહોત્સવ ઉજવાયો, તેવી જ ભક્તિભાવના અને ઊત્સાહ સાથે જુનાગઢના જલારામ ભક્તિધામ ખાતે પણ આ પાવન અવસરે ભાવિકો એકત્રિત થયા હતા. નાના બાળકોથી લઈ યુવાનો અને વરિષ્ઠ નાગરિકો સુધી દરેક વય જૂથના લોકો રામના રંગે રંગાઈ ગયા હતા. લોહાણા સમાજ દ્વારા શ્રીરામ જન્મોત્સવ નિમિત્તે લોહાણા મહાજનવાડીથી જલારામ ભક્તિધામ સુધી વિશાળ બાઈક રેલી યોજાઈ હતી. લોહાણા સમાજના પ્રમુખ મહેન્દ્રભાઈ મશરૂના નેતૃત્વમાં યોજાયેલી આ 6 કિમી લાંબી રેલીમાં 100 કરતા વધુ સ્કૂટરચાલકો ડ્રેસકોડ સાથે જોડાયા હતા. શહેરના મુખ્ય રસ્તાઓ પર જય જય શ્રી રામના નાદ સાથે ભક્તિમય માહોલ સર્જાયો હતો અને સ્કૂટર ચાલકોની સેવા માટે રેડક્રોસ સંસ્થા દ્વારા ઠંડી છાસ તેમ લચ્છીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. આ પ્રસંગે સુંદરકાંડના પાઠ અને ધ્વજારોહણ સાથે ધાર્મિક આયોજન કરાયું હતું તેમજ યુવાનોને બિરદાવતા મંતવ્યો અને સંગઠનશક્તિનું પ્રદર્શન જોવા મળ્યું હતું તથા મહાઆરતી અને રાસની રમઝટ સાથે આ અવસરે ભવ્ય મહાઆરતી યોજાઈ હતી જેમાં મહેન્દ્રભાઈ મશરૂ, ગિરીશ કોટેચા, ગૌરવ રૂપારેલિયા, હેમાબહેન રૂપારેલિયા તથા અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આમંત્રિત મહેમાનોનું અને ભક્તોનો ઉષ્માભર્યું સ્વાગત જલારામ ભક્તિધામના પ્રવિણભાઇ પોપટ, મૂકેશભાઇ કારીયા, ગિરીશભાઈ આડતિયા, યતિનભાઇ કારીયા દ્વારા કરવામાં આવ્યું હતું. આરતી દરમિયાન ભક્તિભાવ અને શ્રદ્ધાની સરિતાએ બધાને સ્પર્શ્યા હતા અને રામનામના ભક્તિના સાગરમાં ડૂબકી લગાવી પાવન થયા હતા. બહેનોએ રાસ રમઝટ બોલાવી હતી, જેના કારણે સમગ્ર વાતાવરણ ધાર્મિક ઉત્સવમય અને ભક્તિમય બની ઉઠ્યું હતું. અને મહિલા મંડળો અને યુવા સંગઠનો દ્વારા પ્રસાદ વ્યવસ્થા ગોઠવી હતી.



