જિ. પંચાયત ચોકથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી પવનચક્કી હટાવવા માંગ કરી
ખાસ-ખબર સંવાદદાતા
કોટડા સાંગાણી નજીકના અનીડાવાછરા ગામે પવનચક્કી લગાવવાની ચાલી રહેલી ગતિવિધિ સામે જબરો વિરોધ વંટોળ ઉઠ્યો છે અને આ કામને તાકીદે અટકાવવા માટે આજે રાજકોટમાં જિલ્લા પંચાયત ચોકથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું અને કલેક્ટરને આવેદન પાઠવી પવનચક્કી હટાવવા માંગ કરી હતી. આ મામલે અનીડાવાછરાના ગ્રામજનોએ જણાવ્યું છે કે, અમારી ખેતીની જમીનના શેઢે ખરાબામાં સુઝલોન કંપનીની પવનચક્કી મૂકવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે માટે ભારેખમ વાહનો અમારી જમીનમાંથી પસાર થઇ રહ્યા છે.એટલું જ નહીં, જો અહીં પવનચક્કી લાગશે તો ભવિષ્યમાં અમારા ગામમાં અન્ય કોઇ રોજગારીના સ્ત્રોતો કે ઉદ્યોગો આવશે જ નહીં અને ખેતીની જમીનને નુકસાન થાય છે, જેની ભરપાઇ ક્યારેય નહીં થાય. આથી આ કામ તાકીદે અટકી જવું જોઈએ. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, અમારે પવનચક્કી જોઇતી જ નથી.પવનચક્કીના કારણે વાહનો આડેધડ ખેતરોમાંથી રસ્તા કાઢીને પસાર થતા હોવાથી જમીનને નુકસાન થાય છે, તેમજ પાકને પણ નુકસાની સહેવી પડે છે.પવનચક્કી લાગે તો પાણીના બોરના તળ ઉંડા જતા રહેવાની શક્યતા છે. પાકને પિયત કર્યા પછી તરત જ જમીન સુકી થઇ જતી હોવાનો ખેડૂતોનો અભિપ્રાય, પાણની સંખ્યા પણ વધારવી પડે છે તો બીજી તરફ પાણી ઓછું મળે છે. પવનચક્કીના પડછાયાથી ઉભા મોલને પારાવાર નુકસાન થાય છે.