ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
ભાવનગર- સોમનાથ નેશનલ હાઈવે જે રાજુલા પંથકમાંથી પસાર થાય છે. નેશનલ હાઇવે પર અગાઉ અનેકવાર બ્રીજ પર ગાબડાં અને તિરાડો પડવાની ધટનાઓ બની હતી. ત્યારે વધુ એક ધટના રાજુલા તાલુકાના હિંડોરણા ગામે ધાતરવડી નદીના બ્રીજ પર સળિયા દેખાયાની ધટના સામે આવી હતી. અને સામાન્ય વરસાદમાં જ બ્રીજ પર લોખંડના સળિયા બહાર આવી ગયાં છે. બ્રીજ ઉપર લોખંડના સળીયા દેખાતાં નેશનલ હાઇવેની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. આ બ્રીજ ઉપર સળિયા દેખાતા વાહનચાલકોને પણ અકસ્માત થવાનો ભય વર્તાય રહ્યો છે. નેશનલ હાઈવેની ઘોર બેદરકારી સામે આવી છે. નેશનલ હાઇવેની નબળી કામગીરીની પોલ છતી થઇ ગઇ છે. અવારનવાર નેશનલ હાઇવેના બ્રીજ પર તિરાડો, ગાબડાં પડી જવાની ધટના બનતાં સ્થાનિક લોકોએ નેશનલ હાઇવે દ્વારા નબળી કામગીરી કર્યાનો આક્ષેપ થઇ રહ્યો છે. ત્યારે અગાઉ પણ અહીં આજ હિંડોરણા ગામના બ્રીજ પર અગાઉ પણ ગાબડું પડ્યું હતું. તેમજ ચારનાળા નજીક પર બ્રીજ પર મસમોટી તિરાડો પડી જવાની ઘટના બની હતી. ત્યાર ઈલેક્ટ્રીક અને પ્રિન્ટ મિડિયામાં સમાચારો પ્રસિદ્ધ થતાં નેશનલ હાઇવે હરકતમાં આવીને બ્રીજ પર સમારકામ કરવામાં આવ્યું હતું. હિડોરણા ગામે બ્રીજ પર સળિયા દેખાતા નબળી કામગીરીની પોલ ખુલી ગય છે. ત્યારે હવે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા ગંભીરતા દાખવી વહેલી તકે આ બ્રીજ પરનુ સમારકામ કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે.



