રાજુલામાં સફાઇ કામદારોનો હડતાલનો મામલો ગરમાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
- Advertisement -
રાજુલા શહેરમાં સફાઇ કામદારો વિવિધ માંગોને લઈ હડતાલ પર ઉતર્યા છે. આજે સફાઈ કામદારોની હડતાલનો આઠમો દિવસ છે. ત્યારે રાજુલા નગરપાલિકા દ્વારા સફાઈ કામદારો માટે કોઇ હકારાત્મક અભિગમ અપનાવવામાં આવ્યો નથી જેથી સફાઈ કામદારોમાં ભારે રોષ ફેલાયો હતો.
ત્યારે રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઇવે પર એકઠા થઈને ચકકાજામ કરવામાં આવ્યો હતો. હમારી માંગે પુરી કરો સહિત નગરપાલિકા સામે સુત્રોચ્ચાર કરી હોબાળો મચાવ્યો હતો. વાલ્મિકી સમાજનાં પ્રદેશ પ્રમુખ જીતુભાઈ બારૈયા સહિત અમરેલી જીલ્લાના વાલ્મિકી સમાજના આગેવાનો સહિત મોટી સંખ્યામાં સફાઇ કામદારો ઉપસ્થિત રહ્યા હતા. ચક્કાજામ કરતા વાહનોની લાંબી લાઈનો લાગી હતી.
આ ધટના પગલે રાજુલા પીઆઇ સહિત મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ ધટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે સમજાવટ કર્યા બાદ રોડને ખુલ્લો કરાયો હતો. અને ચક્કાજામ દરમિયાન બે મહિલાઓની તબિયત લથડી હતી જેને 108 મારફતે બન્ને મહિલાઓને સારવાર માટે રાજુલા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. ઉલ્લેખનીય છે કે, 150 જેટલા સફાઇ કામદારો હડતાલ પર ઉતર્યા છે. નગરપાલિકા દ્વારા કોઈપણ હકારાત્મક અભિગમ અપનાવ્યો નથી.
અને સફાઈ કામદારો સાથે મુલાકાત કરવામાં આવી નથી જેથી મામલો હવે ગરમાયો છે.
સફાઇ કામદારોની એવી માંગ એવી છે કે, 15 દિવસ માટેની રોસ્ટર પ્રથા બંધ કરીને સંપૂર્ણ પણે મહિનો દિવસની નોકરી આપવામા આવે તેમજ કોન્ટ્રાકટ પ્રથા બંધ કરીને કાયમી નોકરી આપવાની માંગ સાથે હડતાલ પર ઉતર્યા છે. આ બાબતે વાલ્મિકી સમાજના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ બારૈયાએ જણાવેલ કે, રાજુલા શહેરમાં છેલ્લા આઠ દિવસથી સફાઈ કામદારો હડતાલ પર ઉતર્યા છે. અને સફાઇ કામદારોની હજુ સુધી નગરપાલિકા દ્વારા માંગ સ્વિકારવામાં આવી નથી. અને પાલિકા દ્વારા કોઈ હકારાત્મક અભિગમ અપનાવ્યો નથી.
- Advertisement -
ત્યારે આજે સોમવારે સમીસાંજે વાલ્મીકી સમાજના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સફાઇ કામદારોએ એકઠા થઈ સ્ટેટ હાઇવે ચક્કાજામ કર્યો હતો. જ્યાં સુધી નગરપાલિકા દ્વારા સફાઇ કામદારોની માંગ સ્વિકારવામાં નહીં આવે ત્યાં સુધી આ હડતાલ શરૂ રહેશે તેમ જણાવ્યુ હતુ.



