મોરબી માસીના ઘરે જમવા માટે હર્ષ અને મીરા ગયા હતા
પિતરાઇ ભાઇએ રોકાવાનો આગ્રહ કરતા રોકાયા હતા અને રવિવારે ઝૂલતો પુલ જોવા ગયા હતા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
પાંચ જ મહિના પહેલા પ્રભુતામાં પગલાં માંડનાર દંપત્તીનું મોરબી દુર્ઘટનામાં મોત થતા અરેરાટી ફેલાઈ ગઈ છે. ગોઝારી ઘટનામાં રાજકોટના દંપતી હર્ષ ઝાલાવડીયા અને તેની પત્ની મીરાનું પણ મોત થયું છે. લગ્ન બાદ મોરબી માસીના ઘરે જમવા માટે હર્ષ અને મીરા ગયા હતા. ત્યાંથી તેઓ ફરવા માટે ઝૂલતા પુલ પર ગયા હતા અને દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં મીરાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે હર્ષને સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. પરંતુ તેણે પણ પત્નીની સાથે અનંતની વાટ પકડી દમ તોડી દીધો હતો. આથી ઝાલાવડીયા પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. હર્ષ અને મીરા બેંગ્લોરમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે નોકરી કરતા હતા. દિવાળીના વેકેશનમાં વતન રાજકોટ આવ્યા હતા.
બેંગ્લોરમાં સોફ્ટવેર એન્જિનિયર તરીકે નોકરી કરતા અને રાજકોટની અંબિકા ટાઉનશિપમાં સિદ્ધિ હાઇટ્સમાં રહેતા હર્ષ ઝાલાવડિયા પત્ની મીરા સાથે દિવાળીના વેકેશનમાં વતન આવ્યા હતા. શનિવારે હર્ષ પત્ની મીરા અને માતા-પિતા સાથે મોરબી રહેતા માસિયાઇ ભાઇના ઘરે ગયા હતા. રવિવારે સવારે પરત રાજકોટ આવવા નીકળવાના હતા. પરંતુ પિતરાઇ ભાઇએ રોકાવાનો આગ્રહ કરતા રોકાઈ ગયા હતા અને સાંજે પોતે, પત્ની, માસિયાઈ ભાઈ, તેની પત્ની અને પુત્ર સાથે ઝૂલતા પુલ ગયા હતા.