રાજકોટની નવી કોર્ટનો વિવાદો સાથે પ્રારંભ…
બિલ્ડિંગને ચાર દિવસ થયા ને લિફ્ટ બંધ થઈ ગયાની ફરિયાદો ઉઠવા લાગી: પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા રજૂઆત
ખાસ-ખબર સંવાદદાતા
તાજેતરમાં નવા કોર્ટ બિલ્ડિંગનું ભવ્ય ઉદ્ઘાટન ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયાના હસ્તે કરવામાં આવ્યું હતું પરંતુ આ ઉદ્ઘાટન કોઈ વ્યવસ્થા વગર અને ઉતાવળથી કરવામાં આવ્યું હોય તેવું એડવોકેટ દિલીપ પટેલ જણાવી રહ્યા છે.
કોર્ટ બિલ્ડિંગ બનવાનું નક્કી થયું ત્યારે ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ ગીતા ગોપી રાજકોટમાં ડીસ્ટ્રીક્ટ જજ તરીકે કાર્યરત હતા અને રાજકોટ બારના પ્રમુખ બકુલ રાજાણી હતા ત્યારે તમામ વકિલોએ જજને 2000 વકિલોને બેસવા માટે ટેબલ વ્યવસ્થા રહે તેવો પ્લાન મૂકવાની રજૂઆત કરી હતી જે રજૂઆતને જસ્ટીસએ માન્ય રાખી હતી. ત્યાર બાદ ઉત્તરોત્તર પ્રમુખોએ નામદાર ડીસ્ટ્રીક્ટ જજઓને જૂની માંગણી 2000 વકિલોના ટેબલો સમાવવાની હા પાડી હતી પરંતુ ટેબલ મૂકવામાં આવ્યા નથી.
વધુમાં હાલમાં રાજકોટના ડીસ્ટ્રીક્ટ જજ વાછાણીએ વકિલોની જૂની 2000 ટેબલ વ્યવસ્થા સંબંધે ઉદ્ઘાટન પહેલાં બકુલ રાજાણી સહિતનાને હા પાડી વીડિયો કોન્ફરન્સમાં હાઈકોર્ટ જસ્ટીસે પણ ઉપરોક્ત બાબત અંગે રજૂઆત સંબંધે હકારાત્મક અભિગમ અપનાવ્યો હતો.વકિલોના કહેવા મુજબ કોર્ટ ઉદ્ઘાટન પૂર્ણ થતાં ડીસ્ટ્રીક્ટ જજ વાછાણી પોતાની વાતમાંથી ફરી ગયા હોય તેવું લાગી રહ્યું છે. નવા જ કોર્ટ બિલ્ડિંગને ચાર દિવસ થયા ને લીફ્ટ બંધ થઈ જાય છે અને વકિલો, અસીલો, સ્ટાફ લીફ્ટમાં ફસાઈ જાય છે. વકીલો સવારે આવે સાંજે પરત જાય ત્યાં સુધી બેસવાની કોઈ વ્યવસ્થા ડીસ્ટ્રીક્ટ જજ કરતાં ભૂલી ગયા છે એટલું જ નહીં પરંતુ ઉતાવળે બાર એસો.નો રૂમ, મહિલા બારનો રૂમ, ક્રિમીનલ બારનો રૂમ, ક્લેઈમ બારનો રૂમ ખાલી ચાર ચોકઠા ખાલી ખોખુ આપી દીધું, તેમાં એક પણ ચેર નથી માત્ર પાર્ટીશનવાળા રૂમોને આપી દીધા, ફર્નિચરની કોઈ વ્યવસ્થા ઉતાવળમાં કરતા કોર્ટ ભૂલી ગયા હોય તેવું લાગે છે. વકીલોને ચા-પાણી, જમવાની કેન્ટીનની વ્યવસ્થા નથી. વકીલો નીચે ગ્રાઉન્ડમાં બેસીને ખુલ્લા મેદાનમાં જમે છે. કોઈ વકિલ સવારથી વકીલાત કરવા આવશે સાંજ સુધી ઉભા-ઉભા રહેવું પડશે તે કેમ કોર્ટના ધ્યાને આવતું નથી, આ પ્રાથમિક સુવિધાનો મુદ્દો કેમ દેખાયો નથી, માત્ર વકિલોના ટેબલ જ દેખાય છે. વકિલોને બેસવા, લખવા ટેબલ ખુરશી જોઈએ અને તે કોર્ટે ફાળવવાનું વચન આપ્યું હતું તે વચનનું શું થયું તે ધ્યાને લેવું જોઈએ. માત્ર વકિલોની પ્રાથમિક સુવિધાઓની માંગ છે તે આપીને ત્યાર બાદ કોર્ટની કાર્યવાહીઓ કરવા એડવોકેટ દિલીપ પટેલ દ્વારા રજૂઆત કરાઈ છે.