તામિલનાડુના ચિદમ્બરમ શહેરમાં 6000 વર્ષ જૂના ભગવાન નટરાજના પૌરાણિક મંદિરમાં રાજકોટની નવ બાળાઓ દ્વારા ભરતનાટ્યમની વિશિષ્ટ કલા રજૂ કરવામાં આવી. તામિલનાડુના ચેન્નાઇથી 200 કિલોમીટર દૂર 6000 વર્ષ જુના પૌરાણિક નટરાજ મંદિરમાં કે જેને ભૂલોકનું સ્વર્ગ કહેવામાં આવે છે ત્યાં દર વર્ષે અષાઢી બીજના દિવસથી 10 દિવસનો થિરૂમાંજનાનો વિશિષ્ટ તહેવાર ઉજવવામાં આવે છે, જેમાં આ મંદિર ઉપર ધજા ચડાવવામાં આવે છે. કભારતીય સંસ્કૃતિને આજના આ યુગમાં જાળવી રાખવા તેમજ ભારતીય પરંપરાગત જે ભરતનાટ્યમની કલા છે તેને જીવંત રાખવા માટે રાજકોટ શહેરમાં કલાગુરૂ પૂર્વીબેન શેઠ દ્વારા સર્જન ડાન્સ એકેડેમી ચલાવવામાં આવી રહી છે.
આ એકેડેમીની નવ બાળાઓ કેયા માંડલિયા, ભક્તિ જોશી, રિશીતા જોશી, વિધિ જાની, જીયા ગાદોયા, વેદાંશી પરડવા, રજની મહેતા, નંદિની પટેલ, તનુશ્રી કણસાગરા દ્વારા આ પૌરાણિક મંદિરમાં ભરતનાટ્યમની અદ્ભુત કલા પ્રદર્શિત કરવામાં આવી હતી. આ પૌરાણિક મંદિરના મુખ્ય મહંત શ્રી થન્ગમની સભાપતિ દ્વારા આ નવ બાળાઓનું શાલ ઓઢાડી વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.