થાઈલેન્ડમાં IMF ગ્લોબલ નેટવર્ક આયોજિત એવોર્ડ સેરેમની યોજાઇ
દેવ ભટ્ટ 15 વર્ષથી સંગીત ક્ષેત્રે પોતાની કલાથી લોકોને મનોરંજન પૂરું પાડે છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના જાણીતા ગાયક દેવ ભટ્ટને થાઈલેન્ડમાં ઇએમએફ ગ્લોબલ નેટવર્ક આયોજિત એવોર્ડ સેરેમની એવોર્ડ એનાયત કરવામાં આવ્યા. બેંગકોકના થાઈલેન્ડ ખાતે 11 થી 14 જુલાઈ દરમિયાન ઇએમએફ ગ્લોબલ નેટવર્ક આયોજિત એવોર્ડ સેરેમની યોજાઇ હતી. આ સેરેમનમીમાં ડો.લક્ષ્યરાજસિંહજી મેવાડ ઉદયપુર અને ફિલ્મ અભિનેત્રી નુસરત ભરૂચા તથા અભિનેતા અર્જુન કપૂર અને બોલીવુડ સિંગર અદનાન સામીના હસ્તે રાજકોટમાં અને સૌરાષ્ટ્રમાં ખેલૈયાઓના હૃદયમાં ખૂબ જ લોક ચાહના મેળવનાર ગાયક દેવ ભટ્ટને બે એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. જે સૌરાષ્ટ્ર અને રાજકોટ માટે ખૂબ જ ગૌરવની વાત છે.
દેવ ભટ્ટ છેલ્લા 15 વર્ષથી સંગીત ક્ષેત્રે પોતાની કલાથી લોકોને આનંદ કરાવી રહ્યા છે. તેઓ દેશ-વિદેશમાં 1500થી પણ વધારે કાર્યક્રમો કરી ચૂક્યા છે. પોતાની કલાયાત્રામાં તેઓ લંડન, ઓસ્ટ્રેલિયા, દુબઈ, બેહરીન, બેંગકોક, હોંગકોંગ, આફ્રિકા સહિતના દેશોમાં કલાના કામણ પાથરી ચૂક્યા છે અનેક ગુજરાતી ફિલ્મોમાં પણ પોતાનો સ્વર આપી ચૂક્યા છે. ત્યારે દેવ ભટ્ટની યશ કલગીમાં વધુ એક છોગુ ઉમેરાયું છે. ઇએમએફમાં ગુજરાતની અને ગુજરાત બહારની પણ અનેક ઈવેન્ટ કંપનીના લોકોએ પોતાની હાજરી આપી હતી. આ એવોર્ડ બદલ રાજકોટ, સૌરાષ્ટ્ર અને સંપૂર્ણ કલાજગત ગૌરવની લાગણી અનુભવે છે.