જીજ્ઞેશ જાની
45 હજાર વાર જગ્યામાં બીજી ઝુંપડપટ્ટી ઉભી થાય તે પહેલા યોગ્ય ઉકેલ લાવવો જરૂરી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
રાજકોટના વોર્ડ નંબર 3ના જંક્શન વિસ્તારમાં આવેલી કંડમ રેફ્યુજી કોલોનીના પડતર ક્વાટરમાં હવે દારૂડિયાઓ, ગંજેરીઓ અને લુખ્ખાઓએ અડ્ડો જમાવી લીધો છે કારણકે આ પી ડબલ્યુ ડી હસ્તકના 100 કંડમ ક્વાટર જેની મોટાભાગની છત પાડી નાખવામાં આવી છે પરંતુ ચાર દીવાલો ઉભી હોવાથી તેમાં ઘૂસીને દારૂ, ચરસ, ગાંજાના નશા કરી રહ્યા છે તમામ પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિ માટે આ પડતર મકાનો સેફ હાઉસ બની ગયા હોય તેવું ફલિત થઇ રહ્યું છે આ કંડમ મકાનોમાં ગંદકી, કચરો, કાટમાળ અને મરેલા જાનવરો લોકો નાખી જાય છે જેની અતિ દુર્ગંધથી અહીં વસવાટ કરતા સ્થાનિકો પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે 45 હાજર વાર જગ્યામાં બીજી ઝુપડપટ્ટી ઉભી થઇ જાય તે પૂર્વે સરકારી તંત્ર કોઈ ઉકેલ લાવે અને આ તમામ કંડમ મકાનોની પડતર જગ્યા ખાલી કરાવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. પ્રાપ્ત માહિતી મુજબ જે તે વખતે પાકિસ્તાનથી આવેલા રેફ્યુજી પરિવારોને અહીંયા વસવાટ આપ્યો હતો અને આ કોલોનીનું રેફ્યુજી કોલોનીથી નામકરણ થયું હતું આ 45 હજાર વાર સરકારી જગ્યામાં 100 મકાનો બનાવવામાં આવ્યા હતા જેમાં સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ પણ વસવાટ કરતા હતા ધીમે ધીમે નિવૃત થતા કર્મચારીઓ પણ આ સરકારી મકાનમાં કબ્જો જમાવવા લાગ્યા હતા અમુક રેફ્યુજી અને કબ્જો કરી લેનાર નિવૃત કર્મચારીઓ સામે સરકાર કોર્ટમાં ગઈ હતી અને છેવટે સુપ્રીમ કોર્ટે તમામ મકાન ખાલી કરવા હુકમ કર્યો હતો છતાં હજુ સુધી એક સિંધી પરિવાર એક મકાનમાં રહે છે બાકીના 99 મકાનો ખાલી થઇ ગયા છે આ તમામ મકાનો કંડમ હાલતમાં છે આ કંડમ ક્વાટરમાં દેશી દારૂ વેચાય છે, દારૂડિયાઓ અંદર બેસીને દારૂ પીવે છે અને ગમે ત્યાં રોડ ઉપર સુઈ જાય છે ધોળા દિવસે પણ આ વિસ્તારમાં દારૂડિયાઓ લથડિયાં ખાતા જોવા મળતા હોય છે આ ઉપરાંત ચરસ, ગાંજો જેવા માદક પદાર્થ પણ ભરપૂર માત્રામાં વેચાય છે અને પીવાય પણ છે અહીં સાંજ પડતાની સાથે જ નશેડીઓ, ગંજેરીઓના અડ્ડા જામતા હોય છે રિક્ષામાં બેઠા બેઠા પણ નશો કરી લેતા હોય છે સાંજના સાત વાગ્યા પછી આ વિસ્તારમાંથી બહેનો – દીકરીઓને એકલા નીકાળવામાં પણ મુશ્કેલ બની જાય છે જાહેરમાં લઘુશંકા કરતા પણ
આ દુષણથી સ્થાનિક સોસાયટીઓના મકાનના ભાવ ગગડ્યા
કંડમ ક્વાટરમાં વધતા જતા દુષણથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે આ ઉકરડાને લીધે ચોતરફ આવેલ શાસ્ત્રીનગર, જંક્શન પ્લોટ કો.ઓ.હાઉસિંગ સોસાયટી, ઝુલેલાલનગર, સિંધી કોલોનીના મકાનના ભાવો પણ તળિયે આવી ગયા છે.
આવાસની માંગ સાથે 30 પરિવારોનો ઝુંપડા બનાવી વસવાટ
અગાઉ જયારે કીટીપરાની ઝુપડપટ્ટી દૂર કરી ત્યાં આવાસ યોજનાના ક્વાટર બનાવવામાં આવ્યા ત્યારે આ જ ઝુપડપટ્ટીમાં રહેતા 30 જેટલા પરિવારોએ આ કંડમ ક્વાટર પાછળ ઝુપડપટ્ટી બનાવી લીધી છે હવે તે લોકો પણ આવાસની માંગ કરી રહ્યા છે.
- Advertisement -
દોઢ વર્ષથી ગંદકી, કચરો, કાટમાળ-મરેલા જાનવરોની બદબુથી સ્થાનિકો ત્રાહિમામ
દારૂડિયાઓ અચકાતા નથી. આ કંડમ ક્વાટરની હાલત એટલી બદતર થઇ ગઈ છે કે મોટાભાગના લોકો અહીં કચરો ફેંકી જતા હોય છે. કાટમાળ પણ અહીં જ ફેંકી દેવામાં આવે છે એટલેથી આ દુષણ અટકતું નથી મરેલા જાનવરો પણ લોકો આ ક્વાટરમાં નાખી જતા હોય છે જેથી ખુબ જ દુર્ગંધ ફેલાતી હોય છે વાસ લીધે લોકોને અહીં નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે 45 હજાર વાર જગ્યામાં 100 ક્વાટર બનાવવામાં આવ્યા હતા જે પૈકી હાલ એક જ પરિવાર રહે છે બાકીના 99 મકાનમાં લુખ્ખાઓ અને આવારા તત્વોનો કબ્જો છે રાત પડતાની સાથે જ નશો કરીને પડ્યા પાથર્યા રહે છે આ અતિ મોકાની 45 હજાર વાર જગ્યા ઉપર નવી કોઈ ઝુપડપટ્ટી બની જાય તે પૂર્વે પી ડબલ્યુ ડી અથવા સરકાર જાગે અને આ જગ્યાનો કબ્જો પોતાના હસ્તક લઇ યોગ્ય ઉકેલ લાવે તેવી સ્થાનિક આગેવાન, સિંધી વેપારી રાજેશભાઈ દરિયાનાણી સહિતના રહીશો અને સમાજમાં લોકમાંગ ઉઠવા પામી છે. આ વિસ્તારમાં સિંધી, લોહાણા, બ્રાહ્મણ સહિતના વેપારી પરિવારો વસવાટ કરી રહ્યા છે જાહેરમાં નોનવેજ કાપવું, દારૂ વેચવો સહિતની ગેરકાયદે પ્રવૃત્તિથી લોકોને બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે દારૂડિયાઓનો એટલી હદે ત્રાસ છે કે દારૂ ઢીચીને ગમે તે લોકોના ઘરની બહાર સુઈ જતા હોય છે આવી નરકાગાર જેવી સ્થિતિમાં જીવતા આ પરિવારોને આ લોકોના ત્રાસમાંથી વહેલી મુક્તિ અપાવવામાં આવે તેવું ઈચ્છી રહ્યા છે.
લોકો લોખંડના બારી-બારણાં પણ ચોરી ગયા
રેફ્યુજી કોલોની કંડમ થયા બાદ આ તમામ ક્વાર્ટરના લોખંડના બારી-બારણાં લોકો કાઢીને લઇ ગયા છે અને ભંગારમાં વેચી નાખ્યા છે ઉપરાંત જે લાકડાની વસ્તુ હતી તે કાઢીને બળતણમાં ઉપયોગમાં લઇ સળગાવી નાખ્યા છે.
શાળા નંબર 40 બહાર પણ કચરાના ઢગલા
આ સોસાયટીની સામે જ સરકારી શાળા નંબર 40 કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવી છે પરંતુ શાળા સંકુલ બહાર પણ કચરાના ઢગલા પડ્યા છે સામે જ દેશી દારૂ વેચાતો હોય તેવી પરિસ્થિતિમાં અહીંયા ભણવા આવતા બાળકો ઉપર શું અસર થાય તે પણ વિચારવા જેવી બાબત છે.