મજબૂત સમાજના માધ્યમથી સક્ષમ, સમૃદ્ધ તેમજ શક્તિશાળી રાષ્ટ્રનાં નિર્માણમાં આપણું યોગદાન આપીએ: યદુવીરજી ક્રિષ્નદત્તા ચામરાજા
ગુણગ્રાહી થઇને આદિ શક્તિના ત્રણ સ્વરૂપ લક્ષ્મી, શિક્ષણ અને સંરક્ષણના ધારક બનીએ-રાજકુંવર રધુરાજ પ્રતાપસિંહજી – રાજા ભૈયા
- Advertisement -
બૌદ્ધિક વિકાસ, મૌલિક વ્યક્તત્વ, ચારિત્ર્ય ઘડતર, આત્મ સંયમ અને આધ્યાત્મિક અનુસંધાનએ કેળવણીના આધાર સ્તંભ : માંધાતાસિંહજી જાડેજા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં ક્ષત્રિય સમાજની અગ્રહરોળની સામાજીક સંસ્થા ચંદ્રસિંહજી (ભાડવા) સ્ટડી સર્કલ રાજકોટ દ્વારા તાજેતરમાં 50મો વિદ્યાસત્કાર સમારોહ યોજાયો હતો. સ્ટડી સર્કલના સુવર્ણ જયંતિ વર્ષ સમારોહમાં મુખ્ય મહેમાન ઉત્તરપ્રદેશના પ્રતાપગઢના કુંડાના ધારાસભ્ય અને ભદરી સ્ટેટના રાજકુંવર રઘુરાજપ્રતાપસિંહજી ઉર્ફે રાજાભૈયા, મહારાજા યદુવિર કિષ્નાદત્તા ચામરાજા વાડિયાર ઓફ મૈસુર, સસંદ સભ્ય કર્ણાટક અને રાજકોટના ઠાકોર સાહેબ માંધાતાસિંહજી જાડેજા અને ઉંખઉં ગ્રુપના એમડી મયુરધ્વજસિંહજી જાડેજા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતાં.આ સમારોહમાં 370થી વધુ ક્ષત્રિય તેજસ્વી વિદ્યાર્થીઓ અને વિશિષ્ટ સિધ્ધિઓ પ્રાપ્ત કરનારા તારલાઓને સન્માનીત કરવામાં આવ્યા હતાં.
સમારોહમાં મુખ્ય અતિથિ પદે પધારેલા કર્ણાટકના સાંસદ અને મૈસુરના મહારાજ શ્રી યદુવીર ક્રિષ્નદત્તા ચામરાજા વાડીયારે કહ્યું હતું કે આપણાં વ્યક્તિગત વિકાસની સાથે સામુહિક વિકાસની દિશામાં આગળ વધીએ. મજબૂત સમાજના માધ્યમથી સક્ષમ સમૃદ્ધ તેમજ શક્તિશાળી રાષ્ટ્રનાં નિર્માણમાં આપણું યોગદાન આપીએ તે વર્તમાન સમયની પ્રથમ આવશ્યક્તા છે. રાષ્ટ્ર રક્ષા અને રાષ્ટ્ર નિર્માણમાં ક્ષત્રિય સમુદાયે આપેલાં યોગદાનના ભવ્ય ઇતિહાસના આપણે સહુ વારસદારો છીએ ત્યારે જ્ઞાન માર્ગના પથ ઉપર ચાલીને આપણાં શ્રેષ્ઠ ભારતને રક્ષિત શિક્ષિત, વિકસિત અને વૈભવશાળી રાષ્ટ્ર બનાવવા માટે સંકલ્પબદ્ધ થઇએ.
મુખ્ય અતિથિ પદે પધારેલા ઉત્તર પ્રદેશ કૂંડા વિધાનસભા ક્ષેત્રના ધારાસભ્ય અને ભદરી રિયાસતના રાજકુંવર શ્રી રઘુરાજ પ્રતાપસિંહજી (રાજા ભૈયા) એ પોતાના ઉદબોધનમાં કહ્યું હતું કે આપણાં સહુ માટે આપણું રાષ્ટ્ર પ્રથમ હોવું જોઇએ. ગુણગ્રાહી થઇને આપણાં જીવનમાં આદિશક્તિના ત્રણ રૂપો માઁ શારદા, લક્ષ્મી અને કાલીના ગુણોનું સંતુલન જળવાઇ રહે તેની કાળજી લઇએ. સનાતન ધર્મ સંસ્કૃતિ અને રાષ્ટ્રએ ઘણું ગુમાવ્યું છે. મહારાણા પ્રતાપ તેમજ છત્રપતિ શિવાજી મહારાજે રાષ્ટ્રરક્ષા અને રાષ્ટ્ર નિર્માણ માટે નિભાવેલાં ઉત્તરદાયિત્વ પાછળ જેમની પ્રેરણા રહી હતી તેવી માતૃશક્તિની વિસ્તાર પૂર્વક સમજ આપી હતી.
રાજકોટ ઠાકોર માંધાતાસિંહજી જાડેજાએ જણાવ્યું હતું કે અડધી સદીની કાર્યયાત્રા દરમિયાન સ્ટુડી સર્કલના માધ્યમથી અત્યાર સુધીમાં સંપન્ન થયેલું કાર્ય અને આગામી સમયમાં સંપન્ન થનારી યોજનાઓ ‘ન ભૂતો ન મવિષ્યતિ’ સૂત્રને અચૂક સાર્થક કરશે. આપણાં સંતાનોનાં સઘળાં આંતરિક સત્ત્વોને ઉજાગર કરી તેમની મૌલિકતાને યોગ્યા સમયે યથાયોગ્ય ઘાટ આપીને તેમને સક્ષમતા, સર્જનાત્મકતા, સામુહિકતા, ક્રિયાશિલતા, કાર્યદક્ષતાના અને રાષ્ટ્રવાદિતાના પથ ઉપર પ્રયાણ કરાવવા માટે અમો અને અમારી સહયોગી ટીમ અવિરત કાર્ય કરે છે તેનો રાજીપો છે.હરભમજીરાજ ગરાસિયા છાત્રાલયના સાહેબ પ્રવિણ સિંહજી જાડેજાની પુણ્ય સ્મૃતિમાં છાત્રાલય ખાતે ગૃહપતિ ભવનના નિર્માણ તથા ભોમેશ્વર ખાતે ક્ધયા છાત્રાલયના નિર્માણની ઘોષણા કરતાં ઠાકોર સાહેબે કહ્યું હતું કે આપણાં પૂર્વજોએ આરંભેલા સંસ્કાર સિંચનના આ મહાયજ્ઞમાં આપણે સહુ સાથે મળીને તન મન, ઘનથી આહુતિ આપીએ.
આ વિદ્યા સત્કાર સમારોહમાં ક્ષત્રિય સમાજના વિવિધ ક્ષેત્રના મહાનુભાવોની ઉપસ્થિતિમાં હાયર એજ્યુકેશનથી પ્રાઈમરી સુધીમાં ઉચ્ચતમ સિધ્ધિ પ્રાપ્ત કરના 375થી વધુ ક્ષત્રિય વિદ્યાર્થી ભાઈ બહેનોને તેમજ રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા અધિકારીઓ સમાજ શ્રેષ્ટીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.રાષ્ટ્રપતિ ચંદ્રક વિજેતા ડીવાયએસપી કૃષ્ણકુમારસિંહ ગોહિલ, ભગીરથસિંહ ગોહિલ તેમજ બાસ્કેટ બોલ ફેડરેશન ઓફ ઇન્ડિયાના સીલેકશન કમિટીના ચેરમેન ઓલમ્પિક 2024માં દેશ વતી સ્પેશિયલ ડેલિગેટ તરીકે પ્રતિનિધિત્વ કરનાર શકિતસિંહ ગોહિલ તેમજ અન્ય મુખ્ય દાતાઓ ઉદ્યોગપતિઓ ઉંખઉં ગ્રુપના એમડી મયુરધ્વજસિંહજી જાડેજા, જ્યોતિ સીએનસીના પરાક્રમસિંહ જાડેજા, સહદેવસિંહ ઝાલા દિગ્વિજયસિંહ જાડેજા નાનામૌવા દિલીપસિંહ જાડેજા ઇટાડા, અજીતસિંહ જાડેજા ભુનાવા મયુરસિંહ જાડેજા જેએમજે ગ્રુપ સહિતના મહાનુભાવોના હસ્તે સ્મૃતિ ચિન્હ અર્પણ કરાયા હતાં.
- Advertisement -
JMJ ગ્રુપના MD મયુરધ્વજસિંહજી જાડેજા દ્વારા ક્ષત્રિય સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન કરાયું
રાજકોટના ચંદ્રસિંહજી (ભાડવા) સ્ટડી સર્કલના 50માં વિદ્યાસત્કાર સમારોહમાં JMJ ગ્રુપના એમડી મયુરધ્વજસિંહજી જાડેજાને વિશેષ આમંત્રિત તરીકે આમંત્રિત કરાયા હતાં. મયુરધ્વજસિંહના હસ્તે ક્ષત્રિય સમાજના તેજસ્વી વિધાર્થીઓને શિલ્ડ અને સ્મૃતિપત્ર પાઠવીને સન્માનિત કરાયા હતાં. ઉપરાંત વિવિધ ક્ષેત્રે વિશિષ્ટ સિધ્ધિઓ પ્રાપ્ત કરનારા તેજસ્વી તારલાઓને સમાજનું ગૌરવ વધારવા સન્માનીત કર્યા હતાં. મયુરધ્વજસિંહે આ તેજસ્વી તારલાઓના અભ્યાસ અને મેળવેલી સિધ્ધિઓની માહિતી મેળવીને જરૂર પડે ત્યાં મદદરૂપ થવાની તૈયારી દર્શાવી હતી.