વડાપ્રધાન મોદી રાજકોટવાસીઓનું ઋણ ભૂલ્યા નથી
વડાપ્રધાન મોદીએ વિકાસકાર્યોની ભેટ દ્વારા રાજકોટને દિવાળીની શુકનવંતી ભેટ ધરી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટથી રાજકીય કારકિર્દીની પ્રથમ ચૂંટણી લડી રાષ્ટ્રનેતા બનનાર વડાપ્રધાન મોદી ગતરોજ રાજકોટ-સૌરાષ્ટ્રની મુલાકાતે આવેલા હતા. રાજકોટમાં તેમના રોડ શો અને જનસભાને મળેલા પ્રચંડ પ્રતિસાદ અંગે સૌરાષ્ટ્ર ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, રાજકોટ સાથે જૂનો નાતો ધરાવનાર વડાપ્રધાન મોદીએ રાજકોટવાસીઓની સુખ-સુવિધામાં વધારો કરતા 6990 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ છે. નરેન્દ્રભાઈ મોદીએ વિકાસકાર્યોની ભેટ દ્વારા રાજકોટને દિવાળીની શુકનવંતી સુવિધા ભેટ ધરી છે. જે રીતે વડાપ્રધાન મોદી રાજકોટવાસીઓનું ઋણ ભૂલ્યા નથી, તે રીતે રાજકોટવાસીઓ પણ વડાપ્રધાન મોદીનું ઋણ ક્યારેય નહીં ભૂલે. રાજકોટને વિશ્વકક્ષાની હોસ્પિટલ, એરપોર્ટ, બસપોર્ટ, સિક્સલેન રોડરસ્તા, મલ્ટીલેન ઓવરબ્રીજ, સ્પ્લીટ બ્રીજ, અદ્યતન લાઈટહાઉસ મકાન, ઐતિહાસિક ગાંધી મ્યુઝિયમ અને સાયન્સ મ્યુઝિયમ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ વગેરે આપવામાં વડાપ્રધાન મોદીની મહત્વપૂર્ણ મુખ્ય ભૂમિકા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીની વાત, વિચાર અને વર્તન-વ્યવહારમાં રાજકોટ પ્રત્યેની આત્મીયતા છલકાઈ આવે છે. ગઈકાલે રાજકોટ ખાતેની વડાપ્રધાન મોદીની જનસભા અને રોડ શો અદભુત, ઐતિહાસિક અને અવિસ્મરણીય રહ્યાં છે. નરેન્દ્રભાઈ મોદી આજે દસકો બાદ પણ જનસંઘના પાયાના વરિષ્ઠ આગેવાનો પૈકીના ચીમનભાઇ શુક્લ અને સૂર્યકાંતભાઇ આચાર્યને ભૂલ્યા નથી તો એક સમયે કોંગ્રેસના શાસનમાં રાજકોટની દુર્દશાનો ચિતાર પણ તેમને હજુ એવોને એવો જ યાદ છે. આજે જ્યારે નવરાત્રીમાં બહેનો-દીકરીઓ શાંતિમય અને સુરક્ષિત રીતે અડધી રાત્રે પણ ગરબા રમી ઘરે પરત ફરી શકે છે, રાજકોટમાં નિર્ભય બની બધા જ અડધી રાત્રે હરીફરી શકે છે એ વાતની ખબર પણ વડાપ્રધાન મોદી રાખી રહ્યા છે. એટલું જ નહીં, રાજકોટ-સૌરાષ્ટ્રના ઉદ્યોગો અને વેપાર-ધંધામાં રહેલી તકોની પણ તેમને બખૂબી ખબર છે. અને ખાસ તો રાજકોટ તથા રાજકોટવાસીઓના સર્વાંગી વિકાસથી લઈ શહેરની શાંતિ, સ્વચ્છતા તેમજ રાજકોટવાસીઓના સ્વાસ્થ્ય, શિક્ષા અને સુરક્ષા માટે નરેન્દ્રભાઈ મોદી પ્રયત્નશીલ છે.
તેમણે અંતમાં જણાવ્યું હતું કે, ગતરોજ પોતાના પ્રિય નેતા વડાપ્રધાન મોદીને જોવા, સાંભળવા તેમની એક ઝલક મેળવવા જેટલા લોકો આતુર હતા તેટલા જ આતુર અને તત્પર વડાપ્રધાન મોદી પણ તેમનું અભિવાદન ઝીલવામાં હતા. વડાપ્રધાન મોદીએ રોડ શોમાં પ્રત્યેક વ્યક્તિને હાથ હલાવી તેમના ઉમળકાને વધાવી લીધો હતો. વડાપ્રધાન મોદીને રાજકોટ સાથે શરૂઆતથી જ કોઈ વિશિષ્ટ ઋણાનુબંધ છે. વડાપ્રધાન મોદીના રોડ શો અને જનસભાને ઐતિહાસિક અને અવિસ્મરણીય બનાવવા ઉપસ્થિત રહેનારા ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીયમંત્રી હરદીપસિંહ પૂરીજી, કેબીનેટ અને રાજ્યકક્ષાના મંત્રીઓ, રાજકોટ શહેર ભાજપના અધ્યક્ષથી પ્રદેશ ભાજપના અગ્રણી નેતાઓથી લઈ નાનામાં નાના કાર્યકર, દેશભરમાંથી પધારેલા મહેમાનો, વ્યવસ્થામાં રહેલા પોલીસ જવાનો, મીડિયાના મિત્રો સહિત રાજકોટ-સૌરાષ્ટ્રની જનતાનો આ તકે આભાર વ્યક્ત કરવો રહ્યો, સૌના સાથ વિના વડાપ્રધાન મોદીના રોડ શો અને જનસભાને આટલી મોટી માત્રામાં સફળતા મળે તે માટે રાજકોટ શહેર ભાજપ સંગઠન, રાજકોટના ઉમંગ ઉત્સાહવાળા તથા વડાપ્રધાન પ્રત્યે અપાર અને અસીમ પ્રેમ રાખનાર પ્રજાજનો અને પોલીસ તેમજ વહીવટી તંત્ર પ્રત્યે ખૂબ- ખૂબ ઊંડા આભારની લાગણી રાજુભાઈ ધ્રુવે વ્યક્ત કરી છે.