મનપા કમિશનરે સૂચવેલો રૂ.150 કરોડનો બોજ દૂર થવાની શક્યતા
નવા વર્ષમાં સારું અને સરળ બજેટ લોકોને મળે તેવા પ્રયાસ: સ્ટે. ચેરમેન જયમીન ઠાકર
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ મનપા કમિશનર દ્વારા 31 જાન્યુઆરીનાં રોજ રૂ. 150 કરોડનાં વધારાનાં કરબોજા સાથેનું બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં મિલકત વેરા અને સફાઈ વેરામાં વધારાની સાથે નવો ફાયર ટેક્સ પણ સૂચવવામાં આવ્યો હતો, જેને લઈને લોકોની ચિંતા વધી હતી. જોકે, આજથી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા બજેટ અંગે અભ્યાસ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં બજેટનો ટેક્સ વધારો હટાવવાનો આડકતરો સંકેત આપી દીધો છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું કે, રાજકોટ આપણા સૌનું છે, ત્યારે હળવું ફૂલ બજેટ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત રાજકોટમાં ફાયર ટેક્સ વસુલવાની શરૂઆત કરવા સૂચન કરાયું હતું. જેમાં રહેણાંક મિલ્કતો માટે પ્રતિ ચોરસ મીટર 15 રૂપિયા તથા બિન રહેણાંક માટે પ્રતિ ચોરસ મીટર 25 રૂપિયા વસૂલવા સૂચન કરાયું હતું. હવે આજથી શાસકો દ્વારા બજેટનો અભ્યાસ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ માટે દરરોજ સ્ટેન્ડિંગ ચેરમેનની અધ્યક્ષતામાં સભ્યોની બેઠક મળશે.
અને બજેટમાં કરવામાં આવેલી વિવિધ જોગવાઈઓ અંગે વિસ્તૃત અભ્યાસ કરી પ્રજાને રાહત થાય અને વધારે જરૂરી હોય તેવા કામો મંજુર કરવામાં આવશે. આજે મિટિંગ બાદ સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં કરબોજ હટાવવાનો આડકતરો સંકેત આપ્યો છે. સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે, હાલમાં મ્યુ. કમિશનરે રજૂ કરેલા બજેટનો સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. હું ખાસ કહેવા માગું છું કે, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન લોકો માટે છે. રાજકોટ મારુ એકલાનું નહીં પણ આપણા સૌનું છે. આવનારા વર્ષ 2025-26નું નવું બજેટ લોકોને માટે સારું રહે તેવું બનાવવા અમે ભાજપનાં શાસકો પ્રયાસ કરી રહ્યા છીએ. નવા વર્ષમાં સારું અને સરળ બજેટ લોકોને મળે તેવો પ્રયાસ કરાશે. બજેટમાં કઈ સુવિધાઓ લોકોને મળશે તે અત્યારે કહેવું યોગ્ય નથી. પણ સૌનાં માટે જરૂરી હોય તેવી સુવિધાઓ આપવામાં આવશે. તો સાથે જ રાજકોટનાં લોકોને હળવુફૂલ બજેટ મળશે તેવી ખાતરી આપી કરબોજ હટાવવાનો આડકતરો ઈશારો પણ તેમણે કર્યો છે.