પંચાયત મંત્રીની મુલાકાત રાજકોટ જિલ્લા પંચાયત માટે ઐતિહાસિક ઘડી: ભુપત બોદર
ખાસ-ખબર સંવાદદાતા
રાજ્ય સરકાર સતત પ્રજાની સુખાકારી અને અંત્યોદય ની ભાવના સાથે કામ કરી રહી છે. ત્યારે ગુજરાત સરકારના પંચાયત મંત્રી બ્રિજેશ મેરાજાએ રાજકોટ જિલ્લા પંચાયતની શુભેચ્છા મુલાકાત લીધી હતી. પંચાયત મંત્રીની શુભેચ્છા મુલાકાત રાજકોટ જિલ્લા પંચાયત માટે ઐતિહાસિક અને સ્મરણીય બની રહી છે, કારણે છેલ્લા 25 વર્ષમાં રાજકોટ જિલ્લા પંચાયતમાં પંચાયત મંત્રી ખુદ મુલાકાતે આવ્યા હોય તેવી આ પ્રથમ ઘટના છે, બ્રિજેશ મેરજાએ રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ ભુપત બોદરની ચેમ્બરની મુલાકાત કરી હતી. બેઠકમાં મંત્રીએ રાજકોટ જિલ્લામાં લમ્પી વાયરસ અંગે કરવામાં આવતી અસરકારક વેક્સિનેશન ની કામગીરી અંગે તાગ મેળવ્યો હતો અને કામગીરી સંતુષ્ટ થઈ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
- Advertisement -
આ તકે મંત્રીએ જિલ્લા પંચાયતના નવા અધ્યતનભવનના નિર્માણ અંગે સરકાર દ્વારા નાણાંકીય સહિતની બાબતોમાં કોઈ કચાસ નહીં રહે તેવી બાહેંધરી આપી હતી, આ ઉપરાંત વિકાસના કોઇપણ કામો નાણાંના વાંકે ક્યારેય નહીં અટકે તે અંગે પણ મંત્રીશ્રીએ ખાત્રી આપી હતી. પંચાયત મંત્રીનો શુભેચ્છા મુલાકાત બદલ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદરે આભાર વ્યક્ત કર્યો હતો. આ તકે બ્રિજેશભાઈ મેરજાએ જિલ્લા પંચાયતના વિવિધ વિભાગોની કામગીરીની વિગતો મેળવી કામગીરીથી સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.