માત્ર ડોમેસ્ટિક વિમાની સેવા મળશે : વિદેશ જવા માટે અમદાવાદ અને મુંબઈ પર જ આધાર રાખવો પડશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું સમર શેડ્યુલ જાહેર કરાયું છે જેમાં મોટાભાગે ડોમેસ્ટિક ફ્લાઈટ જ ઉડાન ભરવાની છે. સમર શિડ્યુલમાં પણ એકપણ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટની જાહેરાત નહીં થતા ફરી એક વખત નવા એરપોર્ટ પરથી ઇન્ટરનેશનલ ફ્લાઈટનો ફિયાસ્કો થયો છે. આ સમર શેડ્યુલમાં મુંબઇની 5, દિલ્હી-પૂનાની 2-2, હૈદરાબાદ, ગોવા, બેંગ્લોર, સુરતની 1-1 ફ્લાઈટ ઉડાન ભરશે. ઇન્ટરનેશનલ એરપોર્ટ નવા ટર્મિનલને ખુલ્લું મુકવામાં આવ્યા બાદ ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થવાની આશા બંધાઈ હતી પરંતુ સમર શેડ્યુલમાં એક પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત ન થતાં હવાઈ મુસાફરોમાં નિરાશા વ્યાપી છે.
હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉનાળુ સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. જે તા.30 માર્ચ-2025થી તા.25 ઓક્ટોબર-2025 સુધી અમલી રહેશે. આંતર જિલ્લાની હવાઈ સેવામાં દરરોજ બપોરે રાજકોટ-સુરત 9 સીટરનું નાનુ વિમાન ઉડશે.
ઈન્ડિગો એરલાઈન્સ કંપનીએ એક વધારાની ફલાઈટ દિલ્હી-રાજકોટ-પૂના મુકી છે જે ડેઈલી બપોરે 1:25 કલાકે લેન્ડ થઈ બપોરે 2 વાગ્યે પૂના જવા ટેક ઓફ થશે. સાપ્તાહિક સેવામાં પૂના-રાજકોટ-પૂના સપ્તાહમાં દર મંગળ, બુધ, ગુરૂ, રવિવારે અને ગોવા-રાજકોટ-ગોવા સપ્તાહમાં દર સોમ, મંગળ, ગુરૂ, શનિવારે ઉડાન શરૂ રહેશે. સવારે દિલ્હી જવા માટે એક પણ ફલાઈટ નહીં હોવાથી હવાઈ માર્ગે દિલ્હી જવા ઈચ્છુક મુસાફરોને નાછુટકે અમદાવાદ એરપોર્ટ સુધી લાંબુ થવું પડે છે.
ઉનાળુ સમયપત્રક પૂર્વે ઈન્ટરનેશનલ હવાઈ સેવા માટે કેટલીક ખાનગી એરલાઇન્સ કંપનીએ દુબઈ, બેંગકોક સહિતની વિદેશની ફલાઈટ શરૂ કરવા સર્વે હાથ ધર્યો હતો પરંતુ હજુ સુધી એક પણ ફલાઈટ શરૂ કરવા કંપની આગળ આવી નથી. પરિણામે રાજકોટના ઈન્ટરનેશનલ એરપોર્ટથી ઈન્ટરનેશનલ ફલાઈટ શરૂ થવાની હજુ કોઈ શક્યતા નથી.