ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ-સૌરાષ્ટ્રમાંથી ધંધાર્થે ઉદયપુર અને દર્શન માટે નાથદ્વારા જતાં લોકો માટે ખુશખબર આવ્યા છે. આગામી 21 ઓગસ્ટથી રાજકોટ અને ઉદયપુર વચ્ચે ઈન્ડિગો એરલાઈન્સ નિયમિત ફ્લાઈટ શરૂ કરવા જઈ રહી છે. આ માટે ફ્લાઈટનું શિડ્યુલ જાહેર થઈ ગયું છે અને ટિકિટનું બુકિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ રૂટના રસ્તાઓ ખરાબ હોવાથી ફ્લાઈટ શરૂ થતાં લોકોને મોટી રાહત મળશે. વેપાર અર્થે ઉદયપુર આવતા-જતા લોકો તેમજ નાથદ્વારા દર્શને જતા ભાવિકોમાં આ નિર્ણયથી આનંદની લાગણી જોવા મળી રહી છે.
એરપોર્ટ ઓથોરિટીના જણાવ્યા મુજબ 21 ઓગસ્ટથી રાજકોટ-ઉદયપુર વચ્ચે ઈન્ડિગો એરલાઈન્સની નિયમિત ફ્લાઈટ શરૂ થઈ રહી છે. આ ફ્લાઈટ સવારે 8:40 વાગ્યે રાજકોટથી ઉપડશે અને 9:55 કલાકે ઉદયપુર પહોંચશે. જ્યારે ઉદયપુરથી સવારે 10:15 વાગ્યે ઉપડી 11:30 કલાકે રાજકોટ પહોંચશે. ફ્લાઈટનું રાજકોટ ઉદયપુરનું ભાડુ રૂ. 2800 નક્કી કરવામાં આવ્યું છે. રાજકોટથી નાથદ્વારા દર પૂનમે અને રજાના દિવસોમાં દર્શને જતાં લોકો માટે ફ્લાઈટ સુવિધારૂપ બની રહેશે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, રાજકોટથી ઉદયપુર સુધી હાલ રસ્તા સાવ બિસ્માર હોય વાહન માર્ગે જવામાં અકસ્માતોનો સતત ભય રહે છે. આ ઉપરાંત રાજસ્થાનમાં વેપાર-ધંધા માટે જતાં લોકો માટે પણ આ ડેઈલી ફ્લાઈટ શરૂ થતાં સુવિધા વધશે. રાજકોટ સૌરાષ્ટ્રમાંથી રમણીય શહેર ઉદયપુરમાં ફરવા માટે પણ મોટા પ્રમાણમાં લોકો જાય છે. તેના માટે પણ આ ફ્લાઈટ ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે. આ સાથે જ આગામી સપ્ટેમ્બરથી માર્ચ સુધીની ટુરિસ્ટ સિઝન ધ્યાને રાખી સુરતની પણ ડેઈલી ફ્લાઈટ શરૂ કરવામાં આવનાર હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે.