વેપાર-ઉદ્યોગ-ધંધા પણ હવે રોકટોક વગર ધમધમી શકશે : હોટેલ-રેસ્ટોરન્ટમાં પણ ખાણીપીણીની જ્યાફત બિન્દાસ્ત માણી શકાશે
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
કોરોનારૂપી રાક્ષસ છેલ્લા બે વર્ષથી ગુજરાતમાં પલાંઠી વાળીને બેસી જતાં આ રાક્ષસ લોકોને પોતાના ખપ્પરમાં હોમી ન નાખે તે માટે સરકારે લોકડાઉન, રાત્રિકર્ફ્યૂ સહિતની અનેક પાબંદીઓ લગાવી દીધી હતી. બે લહેરના અંદાજે બે વર્ષ પ્રતિબંધો વચ્ચે જ ગાળ્યા બાદ તેમાં થોડે અંશે રાહત અપાઈ હતી પરંતુ ત્યાં જ અચાનક ત્રીજી લહેર આવી પડતાં ફરી પ્રતિબંધો લાગુ કરવા પડ્યા હતા. જો કે ત્રીજી લહેર જેટલી ઝડપે આવી એટલી જ ઝડપે વિદાય પણ થઈ જતાં અંતે સરકારે લોકોને ‘રાહત’ આપવાનું શરૂ કર્યું છે. આખા સૌરાષ્ટ્રમાં જો રાત્રિલાઈફ માણવા માટે કોઈ શહેર જાણીતું હોય તે તેમાં સૌથી પહેલું નામ રાજકોટનું આવે…અહીં દિવસે તો લોકોની ચહલ-પહલ હોય જ છે પરંતુ તે ધંધા-રોજગારની દોડધામ માટેની હોય છે પરંતુ રાત પડે એટલે જે રીતે લોકો આખા દિવસનો થાક ઉતારવા માટે રસ્તા ઉપર ટહેલતાં જોવા મળતાં હોય છે તેવા સૌરાષ્ટ્રમાં બીજે ક્યાંય જોવા મળતા નથી. જો કે છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે લાગુ કરાયેલા પ્રતિબંધોથી આ રોનક વેરવિખેર થઈ જવા પામી હતી પરંતુ હવે પ્રતિબંધો હટી જતાં ફરીથી એ જ મૌજમસ્તી જીવંત બનશે અને લોકો તેની જૂની શૈલીમાં આનંદ-કિલ્લોલ કરતાં જોવા મળશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યના લોકો માટે લાપસીના આંધણ મુકવા સમો નિર્ણય લેવાયો હોય તેવી રીતે સરકારે અમદાવાદ અને વડોદરાને બાદ કરતાં આખા રાજ્યમાંથી રાત્રિકર્ફયૂ ઉપરાંત લાગુ કરાયેલા તમામ નિયંત્રણો હટાવી લીધા છે. આ નિર્ણય લેવાયા બાદ આજે છાતી ઠોકીને કહી શકાશે કે બે વર્ષ બાદ આજથી રાજકોટ સહિત આખું સૌરાષ્ટ્ર સંપૂર્ણપણે ‘અનલોક’ થઈ જવા પામ્યું છે.
બીજી બાજુ લગ્ન પ્રસંગોમાં મહેમાનોની ‘મર્યાદા’માં મોટી છૂટછાટ આપતાં હવે લગ્ન પ્રસંગ માટે ખુલ્લી જગ્યામાં 75% અને બંધ સ્થળે આયોજિત થયેલા લગ્ન સ્થળ ઉપર 50% લોકો હાજર રહી શકશે. આ જ નિયમ રાજકીય, સામાજિક અને ધાર્મિક પ્રસંગ માટે પણ અમલી રાખવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે લગ્ન માટે જે ઓનલાઈન ગુજરાત ઉપર રજિસ્ટ્રેશન કરાવવું પડતું હતું તે નિયમ પણ હટાવી લેવામાં આવ્યો છે તો મહેમાનોની 300ની મર્યાદા પણ દૂર કરવામાં આવી છે.
- Advertisement -
ગુજરાતને ધબકતું રાખવા ગાઈડલાઈનને પાલન કરીએ
કોરોનાની ત્રીજી લહેરની વિદાય વેળા આવી ચુકી છે અને આપણી ખુશીઓ પર લાગેલી બ્રેક દૂર થઈ છે. સમગ્ર ગુજરાત ફરી એકવાર ધબકતું થશે. પરંતુ આ ખુશીઓ પર ફરી એકવાર બ્રેક ન લાગે તેનું ધ્યાન આપણે સૌએ રાખવાનું છે. કોરોનાની ગાઈલાન્ડનું સંપૂર્ણ પાલન કરવાનું છે. માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ ચાલુ રાખવાનો છે. ભીડનો ભાગ ન બનીને સોશિયલ ડિસ્ટન્સનું જાળવવાનું છે. તો ચાલો તૈયાર છો આપ સૌ આ જવાબદારી લેવા ?
હોટેલ-રેસ્ટોરન્ટમાં પણ ઉમટશે હકડેઠઠ મેદની
કોરોનારૂપી પ્રતિબંધો લાગુ હોવાને કારણે ફિલ્મ અને ખાણીપીણીના શોખીનો ઘડિયાળના કાંટે બધું કામ કરી રહ્યા હતા અને પતાવી રહ્યા હતા પરંતુ હવે પ્રતિબંધો હટી જતાં આ સમસ્યાનો અંત આવ્યો છે. ખાસ કરીને આજથી કર્ફયૂ હટી જતાં સિને થિયેટરો આખી રાત ધમધમી શકશે એટલા માટે ફિલ્મનો ‘લેટનાઈટ શો’ જોનારા લોકોને કોઈ પણ જાતની રોકટોક વગર ફિલ્મ માણવા મળશે. આ ઉપરાંત હોટેલ-રેસ્ટોરન્ટ માટે લાગુ કરાયેલી મર્યાદા પણ દૂર કરી દેવામાં આવતાં આજથી હકડેઠઠ મેદની ઉમટી પડશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
તહેવારો હવે મન ભરીને માણી શકાશે
સરકારે પ્રતિબંધો હટાવવાનું શરૂ કરતાં આગામી દિવસોમાં આવી રહેલા તહેવારો પણ લોકોને મન ભરીને માણવા મળી શકે તેવી ઉજળી સંભાવનાઓ જોવા મળી રહી છે. સૌથી પહેલાં હોળી-ધૂળેટીનો તહેવાર આવી રહ્યો છે અને ત્યારથી તહેવારોની સીઝન શરૂ થઈ રહી છે. ખાસ કરીને સાતમ-આઠમ અને નવરાત્રીનો તહેવાર પણ આવી રહ્યો હોવાથી જો સ્થિતિ ઠીક રહી તો તેમાં પણ મોટાપાયે છૂટછાટો આપવામાં આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.


