ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના કાબરણમાં રહેતા આ કામના ફરિયાદી રવિભાઈ અરજણભાઈ વાઘેલા પોતાના ભાઈ પર લાકડાના ધોકા વડે જીવલેણ હુમલો કરી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરવા અંગેની ફરિયાદ રાજકોટના એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી. કલમ 323, 504, 506(2) તથા એટ્રોસીટી એક્ટની કલમ (3) (1) (આર), 3(2) (5-એ) મુજબની ફરિયાદ નોંધાવેલી હતી. જે ફરિયાદના અનુસંધાને આરોપીની ધરપકડ કરવામાં આવેલી હતી. જે કેસ ચાલી જતાં અદાલતે આ કામના આરોપીને ઉપરોક્ત ગુન્હાના કામ સબબ નિર્દોષ છોડી મૂકવાનો હુકમ ફરમાવેલો છે.
- Advertisement -
આ કેસની ટૂંકમાં હકીકત એવી છે કે આ કામના ફરિયાદીના પિતાએ બેડલા ખાતે આરોપીની ખેતીની જમીન આવેલી હોય જેમાં જુવાર અને મકાઈનું વાવેતર કરેલું હોય જે પાક ફરિયાદીના પિતાએ પશુઓના ચારણ તરીકે લીલા માટે આરોપી પાસેથી ઉધડી રકમમાં રાખેલો હતો, જેમાં ફરિયાદીના પિતાએ નક્કી કરેલી રકમમાંથી અડધી રકમ એડવાન્સ પેટે આરોપીને આપી દીધેલી હતી, અને બાકી રહેતી રકમ રૂા. 10,000 આપવાની બાકી હતી જેથી ગઈ તા. 3-6-2022ના રોજ આરોપીની વાડીએ ફરિયાદીના ભાઈ ગોપાલભાઈ તથા વિશાલભાઈ પોતાની માલીકીની બોલેરો ગાડી લઈ લીલુ વાઢવા ગયેલા જેથી આ કામના આરોપી એવા ખેડૂત દેવશીભાઈ નારણભાઈ સાકરીયા ફરિયાદીના ભાઈ પાસે ધસી જઈ કેમ લીલુ વાઢવા આવતા નથી અને બાકીના પૈસા પણ આપતા નથી તેવું જણાવતા ફરિયાદીના ભાઈએ મારા પિતા બાકીના પૈસા આપી જશે તેવું જણાવતા આરોપીએ બોલેરોના ચારેય ટાયરોની હવા કાઢી નાખેલી જેથી આરોપીને સમજાવવા જતા પોતાની પાસે રહેલા લાકડાના ધોકા વડે ફરિયાદીના ભાઈ ગોપાલને હાથમાં આડેધડ મારી દીધા અને ગંભીર ઈજાઓ પહોંચાડી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરેલા હતા, જે અંગે ફરિયાદ આરોપી વિરૂદ્ધ નોંધાવતા જેના અનુસંધાને પોલીસ દ્વારા આરોપી દેવશીભાઈ નારણભાઈ સાકરીયાની ધરપકડ કરવામાં આવેલી તેમજ આરોપી વિરૂદ્ધ પૂરતો પુરાવા સાથે કોર્ટમાં પોલીસ દ્વારા ચાર્જશીટ રજૂ કરવામાં આવેલું, જે કેસ ચાલી જતાં આ કામના ફરિયાદ પક્ષ તરફથી કુલ 4 સાહેદોને તપાસવામાં આવેલા તેમજ ડોક્યુમેન્ટરી પુરાવાઓ રજૂ કરવામાં આવેલા.
આ કામમાં અતિમહત્ત્વના ગણાતા સાહેદ એટલે કે ભોગ બનનાર ફરિયાદીની કોર્ટ સમક્ષની જુબાનીમાં બનાવની હકીકતને સમર્થનકારીક જુબાની આપેલ પરંતુ બચાવ પક્ષ દ્વારા કરવામાં આવેલી ઉલટ તપાસમાં બનાવથી વિપરીત હકીકત રેકર્ડ પર આવેલી તથા ઘણો બધો વિરોધાભાસ રહેલો હોય જેથી ફરિયાદ પક્ષ કેસને નિ:શંકપણે પૂરવાર કરવામાં નિષ્ફળ ગયેલા હોય અને બચાવ પક્ષ તરફે રોકાયેલા એડવોકેટએ કરેલી રજૂઆતો તેમજ વડી અદાલતના રજૂ રાખેલા ચૂકાદાઓને ધ્યાનમાં લઈ આ કામના આરોપીને સેશન્સ કોર્ટના જજ એમ. જે. બ્રહ્મભટ્ટએ સદરહુ ગુન્હામાં આરોપી દેવશીભાઈ નારણભાઈ સાકરીયાને નિર્દોષ છોડી મૂકવાનો હુકમ ફરમાવેલો છે. આ કામમાંં આરોપી વતી એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ, રણજીત બી. મકવાણા, યોગેશ એ. જાદવ તથા મદદનીશમાં અભય ચાવડા, વિશાલ રોજાસરા, વિક્રમ કિહલા રોકાયેલા હતા.



