ઉનાળાને કારણે રાજકોટ શહેરમાં પાણીની માંગમાં વધારો
મેનાં અંત સુધી 500 MCFT નર્મદાનીર આપવા RMCની સરકાર પાસે માગણી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં ઉનાળાને કારણે પાણીની માંગમાં વધારો નોંધાયો છે. શિયાળાની સરખામણીએ મહાનગરપાલિકાનાં વિસ્તારોમાં માંગ વધતા દૈનિક 380 લિટરની સામે હાલ 400-450 લીટર પાણી વિતરણ ઘરદીઠ કરવામાં આવી રહ્યું છે ત્યારે લોકોને પણ પાણીનો બગાડ નહીં કરીને જરૂરિયાત મુજબ ઉપયોગ કરવા શહેરનાં મેયર દ્વારા અપીલ કરવામાં આવી છે તેમજ રાજકોટીયનોને દરરોજ 20 મિનિટ પાણી આપવા માટે તંત્ર સંપૂર્ણપણે સક્ષમ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગત મુજબ મહાનગરપાલિકા દ્વારા રાજ્યના સિંચાઇ વિભાગને ફરી પત્ર લખીને મે માસના અંતમાં આજીડેમમાં સૌની યોજના હેઠળ નર્મદાનીર ઠાલવવાની માગ કરવામાં આવી છે. મહાનગરપાલિકાએ રાજ્યના સિંચાઇ વિભાગને લખેલા પત્રમાં જણાવાયા મુજબ હાલમાં આજીડેમમાં 23.29 (567 MCFT ) પાણીનો જથ્થો છે.
- Advertisement -
રાજકોટના 18 વોર્ડના વિસ્તારોમાં દરરોજ 20 મિનિટ પાણી વિતરણ કરાતું હોય, આ જળ જથ્થો જૂન મહિનાની 15 તારીખ સુધી ચાલે તેમ છે. આ સંજોગોમાં જો સૌની યોજના હેઠળ નર્મદાના નીર નહીં મળે તો રાજકોટમાં પાણી વિતરણની વ્યવસ્થા ખોરવાઇ શકે તેમ છે. ત્યારે જૂન માસ પહેલા મે મહિનાના અંતમાં જ 500 MCFT નર્મદાના નીર આજીડેમમાં ઠાલવવાની માંગ કરાઈ છે.
રાજકોટનાં મેયર નયનાબેન પેઢડીયાએ જણાવ્યુ હતું કે, રાજકોટમાં ઉનાળાની ભારે ગરમીના કારણે સ્વાભાવિક રીતે પાણીની માંગમાં વધારો થયો છે. જેના કારણે હાલ ઘરદીઠ 380 લિટરનાં બદલે 400-450 લિટર પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં ચિંતાની કોઈ વાત નથી પરંતુ, વધુને વધુ લોકો રાજકોટમાં રહેવા આવે છે તેમજ નવા વિસ્તારો ભળતા હોવાથી પાણીની ડિમાન્ડ રહેવાની છે.
ઉનાળામાં જમીનના તળ ડૂકી ગયા હોવાથી બોર કે કૂવાનાં પાણી મળતા નથી, જેના કારણે પાણીની માંગ વધે છે. આમ શિયાળાની સરખામણીએ ઉનાળામાં પાણીની માંગમાં 8થી 10 ટકાનો વધારો થતો હોય છે. જે મુજબ હાલ પાણીનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આજીડેમમાં અગાઉ નિયત કરાયેલા જથ્થા મુજબ જુલાઇ માસના અંત સુધી ચાલે તેટલો નર્મદાનીરનો જથ્થો આપવામાં આવ્યો હતો. આ દરમિયાન આજી ડેમ માટે 1800 MCFT અને ન્યારી-1 માટે 772 MCFT નર્મદાનીરની માંગ થઈ હતી. આમાંથી તબક્કાવાર 836 MCFT નર્મદાનીર આજીડેમમાં ઠલવાયું છે જ્યારે જુલાઇ માસ સુધી પાણીની તકલીફ ન પડે તે માટે બાકીનું 500 MCFT નર્મદાનીર મે માસના અંત સુધીમાં આપવાની વિતરણ કરી દેવા માટે રજૂઆત થઈ છે.
લોકોને સાવચેતીપૂર્વક પાણીનો ઉપયોગ કરવા અપીલ
જોકે, જળ એ જ જીવન છે ત્યારે પાણીનો સમજદારી પૂર્વક ઉપયોગ કરવો જરૂરી છે. મહાનગરપાલિકા દ્વારા લોકોને જરૂરિયાત મુજબ પૂરતું પાણી આપવામાં આવી રહ્યું છે ત્યારે લોકો પણ ફળિયા કે વાહનો ધોવા જેવા કામો માટે પીવાના પાણીનો દુરુપયોગ ન કરે તે જરૂરી છે. પાણીનો ઉપયોગ જરૂરિયાત મુજબ જ કરવો જોઈએ.
પાણીનો બગાડ કરવાથી આપણી આગામી પેઢીને પણ મુશ્કેલી થઈ શકે તેમ છે. રાજકોટમાં નવા ભળેલા બધા વિસ્તારો માટે પણ પાણી વિતરણની ખાસ વ્યવસ્થા કરી લેવામાં આવી છે અને લોકોને પૂરતું પાણી વિતરણ થઈ રહ્યું છે ત્યારે લોકો સાવધાની પૂર્વક પાણીનો ઉપયોગ કરે તે જરૂરી છે.