7500માંથી 5846 માર્ક મળ્યા: ન્યુસન્સ પોઇન્ટ નાબુદી માટે મેયર સહિતના પદાધિકારીઓએ કરેલા પ્રયાસોની કેન્દ્રમાં નોંધ લેવાઇ
ગત વર્ષે 11મો ક્રમ હતો: દિલ્હી ખાતે એવોર્ડ સ્વીકારતા શાસક નેતા વિનુભાઇ ધવા, સેનીટેશન ચેરમેન અશ્ચિન પાંભર, પર્યાવરણ ઇજનેર નિલેશ પરમાર
- Advertisement -
ભારત સરકાર દ્વારા પૂરા દેશમાં કરવામાં આવતા સ્વચ્છ સર્વેક્ષણમાં 10 લાખથી વધુની વસતિ ધરાવતા શહેરોમાં પૂરા દેશમાં સાતમો ક્રમ આવ્યો છે. ગત વર્ષે રહેલા 11માં ક્રમમાંથી ચાર અંકની છલાંગ લગાવીને આ સાતમો ક્રમ હાંસલ થતા નવરાત્રી પર મનપાને ગૌરવ લેવા જેવી ક્ષણ આવી છે. મહાપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓની ટીમની મહેનત, સ્વચ્છતા માટેના સતત પ્રયાસોના પગલે ગુજરાતમાં રાજકોટનો બીજો ક્રમ આવ્યો છે.
આ ઉપરાંત રહેવા લાયક શહેરોમાં અને સ્વચ્છતાના પ્રયાસોની બાબતમાં પણ સારા માર્કસ સાથે રાજકોટ પાસ થયું છે. જે બદલ મનપાના પદાધિકારીઓ અને કમિશ્નરે લોકોેને જશ આપ્યો છે. રાજકોટમાં ગંદકીવાળા ન્યુસન્સ પોઇન્ટ સ્વચ્છ કરવા શરૂ કરાયેલા સઘન પ્રયાસોની નોંધ પણ કેન્દ્ર સરકારે લીધી છે. સ્વચ્છ સર્વેક્ષણ-2022 અન્વયે દેશના સ્વચ્છ શહેરોની યાદી જાહેર કરવામાં આવેલ હતી. આ યાદીમાં રાજકોટ શહેરને ગુજરાતમાં 2જો ક્રમાંક અને 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમો 7મો ક્રમાંક પ્રાપ્ત કરેલ છે તથા શહેરને ‘બેસ્ટ સેલ્ફ સસ્ટેનેબલ સીટી’નો નેશનલ અવોર્ડ પ્રાપ્ત થયેલ છે,
આ બદલ મેયર ડો. પ્રદિપ ડવ, ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, કમિશનર અમિત અરોરા, સેનિટેશન ચેરમેન અશ્ચિનભાઈ પાંભરે સ્વચ્છતા અભિયાનમાં સહકાર બદલ રાજકોટ શહેરની જનતાને અભિનંદન પાઠવ્યા છે. આ સ્વચ્છ સર્વેક્ષણ-2022માં ભારતમાંથી 4354 શહેરોએ ભાગ લીધેલ હતો. જેનું ફિલ્ડ વેરીફીકેશન ફેબ્રુઆરી-2022 થી જુલાઈ-2022 સુધીમાં પૂર્ણ થયેલ હતું. જે અન્વયે શહેરને ગાર્બેજ ફી સીટી 3 સ્ટાર, ODF++ સર્ટીફીકેટ પ્રાપ્ત થયેલ છે. તેમાં ટોટલ 7500 માર્ક માંથી 5846 માર્ક પ્રાપ્ત થયેલ છે.
- Advertisement -
રાજકોટ શહરેમાં સ્વચ્છતાને ધ્યાનમાં રાખીને મેયર સહિતના પદાધિકારીઓ અને તંત્ર તેમજ સામાજિક સંસ્થાઓને જોડીને ન્યુસન્સ પોઈન્ટ નાબુદી અભિયાન શરૂ કરવામાં આવતા શહેર અનેક ન્યુસન્સ પોઈન્ટથી મુક્ત બન્યું છે. આગામી સમયમાં પણ સ્વચ્છતા ઝુંબેશ ચાલુ રાખી જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે તેમ મેયર ડો. પ્રદીપ ડવે કહ્યું હતું. આ એવોર્ડ સમારોહ નવી દિલ્લી ખાતે તા 1-10ના રોજ તાલકોટડા સ્ટેડીયમ ખાતે મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુનાં અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પૂરી અને કૌશલ કિશોર ઉપસ્થિત રહ્યા હતા.
આ સમારોહમાં શાસક પક્ષના નેતા વિનુભાઈ ઘવા, સીનીટેશન ચેરમેન અશ્ચિનભાઈ પાંભર, પર્યાવરણ ઈજનેર નીલેશ પરમાર તથા નાયબ પર્યાવરણ ઈજનેર દિગ્વિજયસિંહ તુવર એવોર્ડે સમારોહમાં હાજર રહી એવોર્ડ સ્વીકાર્યો હતો. સ્વચ્છ સર્વેક્ષણ-2021માં રાજકોટ શહેરને 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમો 11મો ક્રમાંક મળેલ હતો તેમજ સમગ્ર ગુજરાતમાં 4થો ક્રમ મળ્યો હતો જેમાંથી ચાલુ વર્ષે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતામાં લોકોનો સહયોગ અને તંત્રનાં પ્રયાસોથી 7મો ક્રમાંક અને ગુજરાતમાં 2જો ક્રમાંક પ્રાપ્ત કરેલ છે.
દિલ્હી ખાતે સ્વચ્છતા અભિયાનનો સ્વચ્છ સર્વેક્ષણ એવોર્ડ સ્વીકારતા મનપાના પદાધિકારીઓ અને અધિકારી નજરે પડે છે.