શહેર પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાએ જનતાની વેદના સાંભળી; મોંઘવારી, બેરોજગારી અને પ્રાથમિક સુવિધાઓના મુદ્દે સરકાર સામે લડતનો હૂંકાર
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા શરૂ કરાયેલા “કોંગ્રેસ આપને દ્વાર – જનતાની વેદના” અભિયાન અંતર્ગત વોર્ડ નં. 9 માં નવા જનસંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન શહેર પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસના અગ્રણીઓએ સ્થાનિક નાગરિકો સાથે સીધો સંવાદ યોજી તેમની રોજિંદી હાડમારીઓ વિશે વિગતવાર ચર્ચા કરી હતી.
સંકલન કાર્યાલયના ઉદ્ઘાટન બાદ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વોર્ડના નાગરિકો પાસે વિશેષ ફોર્મ ભરાવવામાં આવ્યા હતા.
આ ફોર્મમાં લોકોએ વધતી જતી મોંઘવારી, યુવાનોમાં વ્યાપ્ત બેરોજગારી, પીવાના પાણીની અનિયમિતતા, બિસ્માર રસ્તાઓ, ડ્રેનેજની સમસ્યા અને મહિલા સુરક્ષા જેવા ગંભીર મુદ્દાઓ પર પોતાનો રોષ ઠાલવ્યો હતો. લોકોએ આક્ષેપ કર્યો હતો કે અનેક રજૂઆતો છતાં સત્તાધીશો દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. ડો. રાજદીપસિંહ જાડેજાએ નાગરિકોને સંબોધતા જણાવ્યું હતું કે, “કોંગ્રેસ પાર્ટી જનતાના પાયાના પ્રશ્ર્નોને વાચા આપવા માટે કટિબદ્ધ છે. સરકારની બેદરકારી અને જનવિરોધી નીતિઓ સામે અમે સંગઠિત લડત આપીશું.” તેમણે ખાતરી આપી હતી કે કાર્યાલય મારફતે પ્રાપ્ત થયેલી તમામ અરજીઓનું સંકલન કરી તંત્ર સમક્ષ ધારદાર રજૂઆત કરવામાં આવશે અને પ્રશ્ર્નોના નિરાકરણ માટે સતત ફોલો-અપ લેવામાં આવશે.
આ કાર્યક્રમમાં વોર્ડ પ્રમુખ ગિરીશભાઈ પટેલ, જસવંતસિંહ ભટ્ટી, અતુલ રાજાણી, વૈશાલી શિંદે સહિત શહેર કોંગ્રેસના અનેક હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના આ અભિયાનથી વોર્ડના નાગરિકોમાં નવી આશા જાગી છે કે તેમના સ્થાનિક પ્રશ્ર્નોને હવે યોગ્ય વાચા મળશે.



