હાઈકોર્ટના નિર્દેશ મુજબ ‘ગુજરાત રેવન્યુ ટ્રિબ્યૂનલ’ ખાતે આ જંગલેશ્ર્વર મામલે પ્રથમ સુનાવણી યોજાઈ
સુનાવણીમાં સરકાર દ્વારા જમીન સંપાદન અને ગેરકાયદેસર દબાણો અંગેનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં કરોડોની કિંમતની સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણો તોડી પાડવાના પ્રકરણમાં નવો વળાંક આવ્યો છે. હાઈકોર્ટના નિર્દેશ મુજબ બુધવારે અમદાવાદ સ્થિત ’ગુજરાત રેવન્યુ ટ્રિબ્યૂનલ’ ખાતે આ મામલે પ્રથમ સુનાવણી યોજાઈ હતી. જોકે, દબાણકારોના વકીલે વધુ સમયની માંગણી કરતા હવે આ કેસની આગામી સુનાવણી 6ઠ્ઠી માર્ચ પર મુકરર કરવામાં આવી છે.
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ટીપી સ્કીમ નંબર-6 અંતર્ગત જિલ્લા કલેક્ટરને ફાળવવામાં આવેલી અંદાજે 1.92 લાખ ચોરસ મીટર સરકારી જમીન પર મોટાપાયે ગેરકાયદેસર બાંધકામો અને દબાણો ઉભા કરી દેવામાં આવ્યા છે.
આ દબાણો દૂર કરવા માટે સિટી મામલતદાર દ્વારા મહેસૂલી કાયદાની કલમ 202 હેઠળ નોટિસ ફટકારવામાં આવી હતી. તંત્રની આ કડક કાર્યવાહી સામે દબાણકારોએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.
હાઈકોર્ટે આ મામલે વચગાળાનો માર્ગ કાઢતા આદેશ આપ્યો હતો કે, ત્રણ મહિનાની અંદર દબાણકારોને રેવન્યુ ટ્રિબ્યૂનલમાં સાંભળી લેવામાં આવે અને ત્યારબાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવે. આ આદેશને પગલે ગત બુધવાર, 25 ફેબ્રુઆરીના રોજ પ્રથમ સુનાવણી રાખવામાં આવી હતી.
આ સુનાવણીમાં સરકાર પક્ષે મજબૂત રજૂઆત કરવા માટે રાજકોટ સિટી મામલતદાર (પૂર્વ) નિલેશ અજમેરા, સર્કલ ઓફિસર શેરસિયા સહિતનો મહેસૂલી સ્ટાફ જરૂરી કાગળો અને પુરાવાઓ સાથે અમદાવાદ દોડી ગયો હતો.
પ્રથમ સુનાવણી દરમિયાન દબાણકારો તરફથી હાજર રહેલા વકીલે દલીલો રજૂ કરવા માટે સમય માંગતા ટ્રિબ્યૂનલે મુદત ગ્રાહ્ય રાખી છે. હવે આગામી 6 માર્ચના રોજ ફરી સુનાવણી હાથ ધરાશે, જેમાં સરકાર પક્ષ દ્વારા જમીન સંપાદન અને ગેરકાયદેસર દબાણો અંગેનો રિપોર્ટ રજૂ કરવામાં આવશે.



