રાજકોટ પોલીસ કમિશનરનું ગણેશ મહોત્સવને લઇ જાહેરનામું પ્રસિદ્ધ, 9 ફૂટ કરતા ઊંચી ગણપતિની મૂર્તિ રાખવાની મનાઈ.
ગણેશ મહોત્સવને લઈને રાજકોટ પોલીસ કમિશનરે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં શહેરમાં ગણેશ મહોત્સવના પંડાલમાં 9 ફૂટથી ઊંચી ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરવા પર પ્રતિબંધ મુકાયો છે. સાથે જ POP (પ્લાસ્ટર ઓફ પેરીસ)ની મૂર્તિ બનાવવા કે વહેંચવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.
- Advertisement -
આયોજકો સાથે બેઠક બાદ જાહેરનામું પ્રસિદ્ધ
રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે ગણેશ મહોત્સવના આયોજકો સાથે બેઠક યોજ્યા બાદ ગણેશ મહોત્સવને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. આ જાહેરનામામાં અલગ-અલગ 9 જેટલા મુદ્દાઓનને આવરી લેવામાં આવ્યા છે. આ જાહેરનામાનો આજથી 29 સપ્ટેમ્બર સુધી અમલ કરાશે. જો કોઈ જાહેરનામાનો ભંગ કરશે તો તેમની સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
અમે 10 વર્ષથી ઈકોપફ્રેન્ડલી મૂર્તિ બનાવીએ છીએઃ જિમ્મી અડવાણી
ગણપતિ મહોત્સવના આયોજક જિમ્મી અડવાણીએ જણાવ્યું કે, રાજકોટ શહેર પોલીસ કમિશર દ્વારા ગણપતિ બાપ્પાની મૂર્તિને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિ બનાવવા અને વહેચવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. POPની મૂર્તિ ખૂબ જ હાનિકારક છે. આ મૂર્તિનો ઉપયોગ ન થવો જોઈએ. દરેક આયોજકોએ માટીની મૂર્તિ બનાવવી જોઈએ. અમે તો છેલ્લા 10 વર્ષથી ઈકોફ્રેન્ડલી મૂર્તિ બનાવીએ છીએ અને અન્ય ઘણા આયોજકો પણ આવી જ મૂર્તિ બનાવે છે. જે લોકો ઘરે ગણપતિ બેસાડે છે, તેઓએ પણ માટીની મૂર્તિ જ લાવવી જોઈએ.
જાહેરનામામાં આ બાબતનો કરાયો છે ઉલ્લેખ
– ગણેશજીની માટીની મૂર્તિ બેઠક સહિતની 9 ફૂટ કરતા વધારે ઊંચાઈન બનાવવા, વેચવા, સ્થાપના કરવા પર પ્રતિબંધ.
– ભગવાન ગણેશજીની મૂર્તિ પ્લાસ્ટ ઓફ પેરીસની બનાવવા કે વેંચવા કે સ્થાપના કરવા પર પ્રતિબંધ.
– કોઈપણ ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઈ ચિન્હો કે નિશાનીવાળી મૂર્તિ બનાવવા, ખરીદવા તથા વેંચવા તેમજ સ્થાપના કરવા પર પ્રતિબંધ.
– CCTV કે ફાયર એક્સટીંગ્યુસર લગાવ્યા વિના ગણેશ પંડાલનું આયોજન કરવા પર પ્રતિબંધ.
– સ્થાપના /વિસર્જન સરઘસ યોજવા અંગેની પરમીટમાં દર્શાવેલ રૂટ સિવાયના અન્ય રૂટ પર સરઘસ યોજવા પર પ્રતિબંધ.
– નક્કી કરાયેલા વિસર્જન સ્થળો સિવાય અન્ય કોઈ દરિયા, નદી, તળાવ, કુદરતી જળ સ્ત્રોત કે નદીના ઓવારા ખાતે વિસર્જન કરવા પર પ્રતિબંધ.
– મૂર્તિકારોએ વેંચાણમાં લીધેલ અથવા ખંડીત થયેલી મૂર્તિઓને સ્થાપના દિવસ બાદ બિનવારસી હાલતમાં મૂકવા પર પ્રતિબંધ
– મૂર્તિકારોએ મૂર્તિ જે જગ્યાએ વેંચાણ માટે રાખનાર છે, તે જગ્યાની આજુ બાજુ ગંદકી કરવા પર પ્રતિબંધ
– મૂર્તિ બનાવટમાં પાણીને નુકસાનકારક ઝેરી કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ.