અમેરિકામાં હ્યુસ્ટન ખાતે અમેરિકન સોસાયટી ઓફ નેફ્રોલોજીની કોન્ફરન્સ દરમિયાન
કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયાના હસ્તે વિશિષ્ટ એવોર્ડ એનાયત, કાર્યક્રમમાં પ્રેસિડેન્ટ-અમેરિકન સોસાયટી ઓફ નેફ્રોલોજી, પ્રેસિડેન્ટ-અમેરિકન નેફ્રોલોજિસ્ટ ઑફ ઇન્ડિયન આરિજિન અને 400થી વધુ અમેરિકન તબીબોની ઉપસ્થિતિ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ અને સૌરાષ્ટ્રભરમાં જાણીતા અને વૈશ્વિક ફલક ઉપર રાજકોટને પ્રતિષ્ઠા અપાવનાર ડો. સંજય પંડયાને તાજેતરમાં અમેરિકાના હ્યુસ્ટન ખાતે અમેરિકન સોસાયટી ઓફ નેફ્રોલોજીની કોન્ફરન્સ દરમિયાન અમેરિકન નેફ્રોલોજિસ્ટ્સ ઑફ ઇન્ડિયન ઓરિજિન (અગઈંઘ) દ્વારા ડો. સંજય પંડ્યાને વિશ્વસ્તરે કિડની એજ્યુકેશન અને ફ્લુઈડ થેરાપી ક્ષેત્રે વિશિષ્ટ યોગદાન બદલ એવોર્ડ સેરેમનીમાં ખુબ પ્રતિષ્ઠિત એવા એક્સેલન્સ ઇન સર્વિસ એવોર્ડ 2025 થી સન્માનિત કરવામાં આવ્યા હતા. અમેરિકામાં કોન્સ્યુલેટ જનરલ ઓફ ઇન્ડિયા અને પ્રેસિડેન્ટ અમેરિકન સોસાયટી ઓફ નેફ્રોલોજી તથા પ્રેસિડેન્ટ અમેરિકન નેફ્રોલોજીસ્ટ ઓફ ઇન્ડિયન ઓરીજીન સહીત 400 જેટલા અમેરીકન નેફ્રોલોજીસ્ટ તબીબોની હાજરીમાં આ સન્માનથી નવાઝવામાં આવ્યા હતા.
આ એવોર્ડ વિશ્વભરના ભારતીય નેફ્રોલોજિસ્ટ્સમાંથી માત્ર એક વ્યક્તિને આપવામાં આવે છે, તેમાં ડો. પંડયાની પસંદગી ખરેખર રાજકોટ, ગુજરાત અને ભારત માટે ગૌરવની ક્ષણ છે. આ ગૌરવશાળી પળને યાદ કરતા ડો. સંજ્ય પંડયા એ જણાવ્યું હતું કે આ કોન્ફરન્સમાં કિડની એજ્યુકેશન વેબસાઈટના વિવિધ દેશના લીડરોને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં ડો. પંડયાને ડો. આરતી ગુપ્તા કોમ્યુનિટી એક્સેલન્સ ઇન સર્વિસ એવોર્ડ 2025 થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ભવ્ય એવોર્ડ 400 થી વધુ અમેરિકાના નેફ્રોલોજીસ્ટની હાજરીમાં કોન્સોલેટ જનરલ ઓફ ઇન્ડિયાના હસ્તે ડો. પંડયાને અર્પણ કરવામાં આવ્યો હતો, જે ખુબ સરાહનીય અને તબીબીઆલમ સહીત આપણા સૌ માટે ગૌરવની બાબત છે.
આ ભવ્ય સમારંભમાં કિડની એજ્યુકેશન વેબસાઈટ ઉપર નિ:શુલ્ક 40 ભાષામાં ઉપલબ્ધ તમારી કિડની બચાવો પુસ્તક માટે મદદ કરનાર વિવિધ દેશના લીડરોને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા જેમાં સ્પેનિશ ભાષાના મેક્સિકોથી આવેલ પૂર્વ ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ કિડની ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ ડો. ગ્રાસીયા, રશિયાના ડો. વેલેરી શિલો, જર્મનીના ડો. હાન્સ-જોઆચિમ એન્ડર્સ, થાઇલેન્ડના ડો. ગોલ્ફ, નેપાળના ડો. સંજીવ શર્મા સહિત ભારતના અન્ય લીડર્સ પણ હાજર રહ્યા હતા.
ડો. પંડયાને આ એવોર્ડ તેમની કિડની રોગોથી બચાવ માટેની વૈશ્વિક પહેલ – www.KidneyEducation.com વિશ્વભરના 100 થી વધુ સેવાભાવી નેફ્રોલોજિસ્ટ્સના સહયોગથી તૈયાર આ વેબસાઈટ 40 ભાષાઓમાં 200 પાનાનું તમારી કિડની બચાવો પુસ્તક કિડનીનાં રોગથી બચવાના અને તેની સારવાર અંગે લોક ઉપયોગી સરળ માહિતી 12 ભારતીય અને 28 આંતરરાષ્ટ્રીય ભાષામાં નિ:શુલ્ક ઉપલબ્ધ કરાવે છે. આ વેબસાઈટને 10 કરોડથી વધુ હિટ્સ અને વર્લ્ડ રેકોર્ડ એવોર્ડ પ્રાપ્ત વિશ્વની સૌથી મોટી બહુભાષી કિડનીની માહિતી આપતી વેબસાઈટ છે.
- Advertisement -
અત્રે ઉલ્લેખનીય છે કે આ ઉપરાંત ડો. સંજય પંડ્યાનું ડોકટરો માટેનું આ વિષય પરનું પ્રથમ ભારતીય પુસ્તક Practical Guidelines on Fluid Therapy છેલ્લા 20 વર્ષથી હોસ્પિટલોમાં ડોક્ટરો અને મેડીકલનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શક બન્યું છે અને તેની 1 લાખ થી વધુ પ્રતો વેચાઈ ચુકી છે. તાજેતરમાં નવી 2024 ની તૃતિય આવૃત્તિ વિશ્વભરના તબીબો સુધી નિ:શુલ્ક પહોંચાડવા માટે વેબસાઈટ www.FluidTherapy.org શરૂ કરવામાં આવી છે. આ પુસ્તક અને વેબસાઇટ તબીબી વિદ્યાર્થીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે ફ્લુડ થેરાપીની સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન મળી રહે તે હેતુથી દર્દીની તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને ફ્લુડ મેનેજમેન્ટ કેવી રીતે કરવું તેની તલસ્પર્શી માહિતી આપતું એકમાત્ર પુસ્તક અને વેબસાઇટ છે.
ડો. સંજય પંડયાની આ ઉમદા સમાજ સેવાને બિરદાવવા તમામ લોકોને કિડનીની બિમારી થાય તે પહેલા કેવી કાળજી લેવી અને જો હોય તો શું ધ્યાન રાખવું તે અંગે જાગૃતતા ફેલાવવા આ સરળ ભાષામાં તૈયાર કરેલ પુસ્તક નિ:શુલ્ક વેબસાઇટ પરથી સહેલાઇથી ડાઉનલોડ કરી, તમારા સગા, મિત્રો અને પરિચિતો સુધી પહોંચાડી, ડો. પંડયાના આ ભગીરથ યજ્ઞમાં આહુતી આપવા સૌ કોઇને ઇજન કરવામાં આવે છે.



