પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળની કેટેગરીમાં એલોટમેન્ટની રકમ ન ભરતા 555 આસામીઓને નોટીસ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મનપા દ્વારા અલગ-અલગ યોજનાઓ અંતર્ગત 31000થી વધારે આવાસ બનાવીને ગરીબ- મધ્યમ વર્ગને ફાળવવામાં આવેલ છે. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્માર્ટઘર, મુખ્યમંત્રી આવાસ યોજના, બીએસયુપી- 1, 2, 3, રાજીવ આવાસ યોજના, ગુરુજીનગર, ધરમનગર, હુડકો, વામ્બે અને સફાઈ કામદાર આવાસ યોજનાનો સમાવેશ થાય છે. આવાસ યોજના વિભાગ દ્વારા ડીસેમ્બર મહીનામાં રૂા. 45.37 કરોડની આવક હપ્તા પેટે વસૂલવામાં આવી છે. જ્યારે 1-4થી 31-12-2022 સુધીમાં રૂા. 199.61 કરોડની આવાસ હપ્તા પેટે વસુલવામાં આવી છે. આ ઉપરાંત રાજકોટ મનપા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઈડબલ્યુએસ., એલ. આઈ.જી., એમ.આઈ.જી. કેટેગરીના આવાસ નિયત કિંમતે ફાળવવામાં આવેલ છે. જેમાં અરજદાર દ્વારા આવાસના એલોટમેન્ટ અન્વયેની રકમ ભરવામાં આવેલ ન હોય તેવા 555 લાભાર્થીઓને નોટીસ પાઠવી છે અને ભરવાપાત્ર રકમ સેન્ટ્રલ ઝોન, સિવિક સેન્ટર ગ્રાઉન્ડ ફલોર, ડો. આંબેડકર ભવન એસ.ટી. બસ સ્ટેન્ડ ઢેબર રોડ ખાતે દિવસ-7માં ભરપાઈ કરવા અન્યથા આવાસની ફાળવણી રદ કરવામાં આવશે.