કેન્દ્રીય મંત્રી સી. આર. પાટીલની પ્રેરક ઉપસ્થિતિમાં ’જલ કથા’ પ્રસંગે કરાર સંપન્ન; પર્યાવરણ જાગૃતિ માટે સંયુક્ત પ્રયાસો હાથ ધરાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજના સ્થાપના દિવસ નિમિત્તે રેસકોર્સ મેદાન ખાતે આયોજિત જલ કથા કાર્યક્રમમાં પર્યાવરણ અને શિક્ષણના સમન્વયના દ્રશ્યો જોવા મળ્યા હતા. આ અવસરે ભારત સરકારના જલ શક્તિ મંત્રી સી. આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ અને ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કોલેજ વચ્ચે મહત્વના સમજૂતી કરાર (ખજ્ઞઞ) કરવામાં આવ્યા હતા. આ કરારનો મુખ્ય ઉદ્દેશ્ય જલ સંરક્ષણ, પર્યાવરણ જાગૃતિ, શૈક્ષણિક સંશોધન અને સામાજિક જવાબદારીના ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરવાનો છે. આ પ્રસંગે કોલેજના આચાર્ય ડો. પરેશ રાવલ અને ગીરગંગા પરિવારના પ્રમુખ દિલીપભાઈ સખીયાએ હસ્તાક્ષર કર્યા હતા. મંત્રી સી. આર. પાટીલે આ પહેલને ભાવિ પેઢી માટે આશીર્વાદરૂપ ગણાવી હતી. કાર્યક્રમમાં ડો. શિરીષ ભારદ્વાજ અને ડો. મનીષ વ્યાસ સહિતના અધ્યાપકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.



