ગાંધીગ્રામ પોલીસે 908 ગ્રામ ગાંજા સાથે વહુની કરી ધરપકડ : સાસુની શોધખોળ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
રાજકોટના ઘંટેશ્વર 25 વારીયા કવાટર્સ પાસે ગાંધીગ્રામ પોલીસે દરોડો પાડી સાસુ-વહુ દ્વારા ચાલતાં ગાંજાના ધંધાનો પર્દાફાશ કર્યો છે જેમાં પોલીસે ગાંજાના જથ્થા સાથે વહુને પકડી લીધી હતી જ્યારે સાસુ ફરાર થઈ જતા તેની શોધખોળ હાથ ધરી છે.
- Advertisement -
ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ એસ.આર મેઘાણીની રાહબરીમાં ડી-સ્ટાફ પીએસઆઇ વી.ડી.રાવલીયા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો દરમિયાન હેડ કોન્સ્ટેબલ રવી ગઢવી, રોહિતદાન ગઢવી અને કોન્સ્ટેબલ મુકેશ સબાડને જામનગર હાઇવે ઘંટેશ્વર 25 વારીયા કવાટર્સ, રેલ્વે પાટા પાસે, જામવાડીની ફોલ્ડીંગ દિવાલ પાસે ક્વાટર્સમાં રહેતી મહિલા પાસે ગાંજાનો જથ્થો હોવાની મળેલ ચોક્કસ બાતમી આધારે દરોડો પાડી કિરણબેન રવિ મકવાણા ઉ.25 પાસેથી 908 ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવતા કુલ 9080 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં સાસુ-વહુ ગાંજાનો છૂટકમાં વેંચાણ કરતાં હોવાનું સામે આવ્યું છે દરોડા વખતે સાસુ નાસી છૂટી હોવાથી તેની શોધખોળ હાથ ધરી છે.



