54 લાખનો ખર્ચ વહીવટીતંત્રએ માન્ય રાખ્યો, કોંગ્રેસના ધાનાણીને 39 લાખ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.4
રાજકોટ લોકસભા બેઠક ઉપર આ વખતે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર સહિત 9 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો. જેમાં આજે ચૂંટણીમાં થયેલા ખર્ચનો ફાઈનલ હિસાબ રજૂ થયો હતો. જે વહીવટી તંત્ર દ્વારા માન્ય રાખવામાં આવ્યો છે. જેમાં ભાજપના ઉમેદવાર પુરૂષોતમ રૂપાલા જંગી બહુમતીથી વિજેતા બન્યા હતા. રૂપાલા દ્વારા સૌથી વધુ અડધા કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જ્યારે કોંગ્રેસના ધાનાણીએ રૂ. 39 લાખ જેટલો ખર્ચનો હિસાબ રજૂ કરવામાં આવેલો છે. જે વહિવટી તંત્રએ માન્ય રાખ્યો છે.
- Advertisement -
પુરૂષોતમ રૂપાલાએ રૂ. 54,78,487નો ચૂંટણી ખર્ચ રજૂ કર્યો હતો. જ્યારે કોંગ્રેસનાં પરેશ ધાનાણીએ રૂ. 39,35,010નો હિસાબ રજૂ કરેલો હતો. ઉપરાંત બસપાના ચમનભાઈ સવસાણીએ રૂ.1,59,706 તો નીરલ અજાગીયાએ રૂ. 3,06,482નો ખર્ચ ચૂંટણીમાં કર્યો હોવાનુ સામે આવ્યું છે. આ સિવાય પ્રકાશ સિંધવ રૂ. 1,25,275, નયનકુમાર ઝાલા રૂ. 52,200, જીજ્ઞેશ મહાજન રૂ. 27,800 સહિતનો ચૂંટણી ખર્ચનો ફાઇનલ હિસાબ રજૂ થઈ ગયેલો છે. રાજકોટ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડતા 9 ઉમેદવારોએ પોતાનો ચૂંટણી ખર્ચનો હિસાબ રજૂ કરેલો છે.રાજકોટ લોકસભા બેઠક પર ચૂંટણી માટેની જાહેરનામુ પ્રસિદ્ધ થયું ત્યારથી ભાજપના ઉમેદવાર રૂપાલા દ્વારા રાજકોટ શહેર અને જિલ્લામાં પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો હતો. આ વખતે ચૂંટણીમાં ભાજપના ઉમેદવારના નિવેદનને લઈને ક્ષત્રિય સમાજ વિરોધમાં હતો જેને ધ્યાનમાં રાખીને ડેમેજ કંટ્રોલ કરવા પણ અમૂક સભાઓ યોજવામાં આવી તો શહેરના મુખ્ય રસ્તા ઉપર રૂપાલા અને મોદીના ફોટા સાથેના મોટા હોર્ડિંગ્સ લગાવવામાં આવેલા હતા. આ ઉપરાંત સભા, સરઘસ, શહેર-જિલ્લામા પ્રવાસ સહિતનાં કાર્યક્રમોમાં ખર્ચ કરવામાં આવતો હોય છે. જે તમામ ખર્ચના હિસાબો રજૂ કરવામાં આવેલા હતા.