PI ભાર્ગવસિંહ ઝણકાટના નારી વંદન ઉત્સવ કાર્યક્રમમાં આ કેસ સામે આવ્યો હતો
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં નારી સંરક્ષણ ગૃહે પોલીસ વિભાગના સહયોગથી નેપાળની તરુણીનું પરિવાર સાથે મિલન કરાવી પ્રસંશનીય કામગીરી કરી હતી. નેપાળથી થોડા મહિનાઓ પૂર્વે 17 વર્ષની છોકરી ગુમ થઈ ગઈ હતી. આ તરુણીને નેપાળથી ભગાડી રાજકોટ શહેર ખાતે આવ્યો હતો પરંતુ સોશિયલ મીડિયામાં વિડીયો જોતા, બીકના માર્યા તરુણીને તરછોડીને નાસી ગયો હતો. કુવાડવા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા આ તરુણીને આશરો આપવા સ્પેશિયલ હોમ ફોર ગર્લ્સમાં મૂકવામાં આવી હતી. ત્યાં તરુણીને 18 વર્ષ પૂર્ણ થતા નારી સંરક્ષણ ગૃહમાં રીફર કરવામાં આવી હતી. જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી અવનીબેન દવેના માર્ગદર્શન મુજબ નારી સંરક્ષણ ગૃહના સંચાલક ગીતાબેન ચાવડા દ્વારા તરુણીના વતન વિશે જાણવાના પ્રયત્ન કરવામાં આવતા હતા. જ્યારે પણ તેને પૂછવામાં આવતું કે ‘તમે ક્યાંના છો?’ તો તરુણી દ્વારા એક જ જવાબ આપવામાં આવતો કે “મૈ પહાડ કી હું” અને રડવા લાગતી હતી. વધારે કંઈ બોલતી અને સમજતી ન હતી. ગીતાબેન ચાવડા દ્વારા તરુણીનું કાઉન્સિલિંગ કરી, તેના વતન વિશે જાણકારી મેળવવા અયોધ્યા ચોકની આજુબાજુ તથા અન્ય જગ્યાએ રહેતા નેપાળી લોકોનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ કોઈ ફળદાયક હકીકત મળી નહીં.