ધારાસભ્ય બનાવી મારી રાજકીય યાત્રાને લીલીઝંડી આપનાર રાજકોટનું ઋણ કદી ચૂકવી શકાય તેમ નથી
રાજકોટવાસીઓને બપોરે સુવાનો સમય જોઇએ, પરંતુ આજે આટલી સંખ્યામાં આવીને તમામ રેકોર્ડ તોડી નાખ્યા
- Advertisement -
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનસભામાં માનવમેદની ઉમટી પડી : લોકલાડિલા નેતાની એક ઝલક જોવા લોકો ગાંડા થયા
ખાસ-ખબર સંવાદદાતા
ગઈકાલે નરેન્દ્ર મોદી હિરાસર એરપોર્ટનું લોકાપર્ણ બાદ રાજકોટ એરપોર્ટ અને ત્યાંથી રેસકોર્સ સભા સ્થળે આવી પહોંચ્યા હતા. અહીં મેદની એટલી વધી ગઇ કે મોદીજીને સાંભળવા લોકોને નીચે બેસવુ પડયું હતું. એરપોર્ટના આ લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા, પ્રદેશ ભાજપ પ્રમુખ અને સાંસદ સી.આર.પાટીલ, ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂત, કેન્દ્રના સિવિલ એવિએશન વિભાગના સેક્રેટરી રાજીવ બંસલ, મુખ્ય સચિવ રાજકુમાર, ડીજીપી વિકાસ સહાય, જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી, રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. કેમ છો બધા, વિજયભાઇ મને કાનમાં કહેતા હતા અને મેં પણ નોટિસ કર્યું કે, રાજકોટમાં કાર્યક્રમ હોઇ, રજાનો દિવસ ન હોય અને બપોરનો સમય હોય, આ સમયે સભા કરવાનો કોઇ વિચાર પણ ન કરે, પરંતુ આટલી મેદની, રાજકોટે બધા વિક્રમ આજે તોડી નાખ્યા, રાજકોટને બપોરે સુવા માટે સમય જોઇએ, નવા એરપોર્ટ અને મલ્ટિલેવલ ફ્લાય ઓવરબ્રિજનું લોકાર્પણ રાજકોટ માટે આજે મોટો દિવસ છે. આ વાત રેસકોર્સ ખાતેની જાહેરસભામાં વડાપ્રધાન નરેન્દ્રભાઇએ જંગી મેદનીને સંબોધતા કહી હતી.
નરેન્દ્રભાઇએ જણાવ્યું હતું કે, વીતેલા વર્ષોમાં રાજકોટને મેં દરેક પ્રકારે આગળ વધતું જોયું છે. હવે રાજકોટની ઓળખ સૌરાષ્ટ્રના ગ્રોથ એન્જિન તરીકે થઇ રહી છે. અહીંયા ઉદ્યોગ ધંધા છે, સંસ્કૃતિ છે, ખાન-પાન છે, બધું જ છે, પરંતુ એક વાતની કમી મહેસૂસ થતી હતી. તમે પણ વારંવાર કહેતા રહેતા હતા પરંતુ આજે એ કમી પણ પૂરી થઇ ગઇ છે. થોડા સમય પહેલા હું નવા એરપોર્ટ પર હતો ત્યારે તમારી ખુશીનો મને ત્યાં પણ અહેસાસ થતો હતો. હું હંમેશાં કહું છું. રાજકોટે મને ઘણું બધું શિખવ્યું છે. મને પહેલીવાર ધારાસભ્ય બનાવ્યો, મારી રાજનીતિની યાત્રાની શરૂઆતમાં લીલીઝંડી બતાવવાનું કામ રાજકોટે કર્યું છે. એટલે મારા પર રાજકોટનું કર્ઝ હંમેશા રહ્યું છે અને મારી પણ કોશિશ રહી છે કે એ કર્ઝને ઓછું કરતો રહું. આજે રાજકોટને ઇન્ટરનેશનલ એરપોર્ટ મળ્યું છે.
- Advertisement -
હવે રાજકોટને દેશની સાથોસાથ દુનિયાના શહેરોની ફ્લાઇટ સીધી મળતી રહેશે. જેથી સૌરાષ્ટ્રના તમામ શહેરોને તેનો લાભ મળશે. મેં અગાઉ કહ્યું હતું કે, મારું રાજકોટ મિનિ જાપાન બની રહ્યું છે, ત્યારે વિરોધીઓએ મજાક ઉડાવી હતી પરંતુ આજે એ શબ્દો આપે સાચા કરી બતાવ્યા છે. અહીંયાથી ખેડૂતો માટે પણ શાકભાજી અને ખેતપેદાશો વિદેશના બજારમાં મોકલવાનું સહેલું થઇ જશે. એટલે રાજકોટને માત્ર એરપોર્ટ નહીં પરંતુ પૂરા ક્ષેત્રના વિકાસને નવી ઊંચાઇ અને ઉડાન આપનારું પાવરહાઉસ મળ્યું છે.