રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડમાં 27 લોકોના મોત થયા હતા. ત્યારે આજે આ મુદ્દે ફરી ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન ચાર મહાનગરપાલિકાઓના કમિશનરોએ એફિડેવિટ ફાઇલ કર્યા હતા. હાઇકોર્ટે સરકારની ઝાટકણી કાઢતા કહ્યું હતું, કે ‘SIT બને છે અને જાય છે પણ દુર્ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી.’
સરકારને ઘેરીને આકરા સવાલો કરવામાં આવ્યા
હાઈકોર્ટમાં વિશેષ બેન્ચ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સરકારને ઘેરીને આકરા સવાલો કર્યા હતા. હાઈકોર્ટે સવાલ કર્યો હતા કે ‘આ ઘટનામાં અત્યાર સુધીમાં ફક્ત નાના કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મ્યનિસિપલ કમિશનરને કેમ નહીં. શું સરકાર દ્વારા મોટા અધિકારીઓ સામે પગલાં લેવાશે? શું સરકાર આવી બીજી અગ્નિકાંડની રાહ જોઈ રહી છે ત્યારબાદ અધિકારીઓ સામે પગલા લેવાશે.’
- Advertisement -
આગામી સુનાવણી 13મી જૂને થશે
નોંધનીય છે કે રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડને આજે દસ દિવસ પૂરા થયા છે પરંતુ, આ અગ્નિકાંડમાં અનેક પૂરાવા મેળવવાના હજુ બાકી હોય SIT દ્વારા સરકાર પાસે વધુ બે મહિના જેટલો સમય માગ્યો હતો. ત્યારે સરકારે 28 જૂન સુધીમાં રિપોર્ટ રજૂ કરવા નિર્દેશ આપ્યા છે. અગાઉ SITની તપાસમાં પોલીસની મંજુરીની પ્રક્રિયાની ફાઈલનો આશરે અર્ધો હિસ્સો ગાયબ થઈ ગયો છે અને તે આજ સુધી મળેલ નથી, ઉપરાંત અન્ય દસ્તાવેજી પૂરાવાઓની પણ સિટ દ્વારા શોધખોળ કરાઈ રહ્યાનું જાણવા મળે છે. આ કેસમાં હવે આગામી સુનાવણી 13મી જૂને થશે.