મેરી મીટ્ટી મેરા દેશ -9 ઓગસ્ટથી શરૂ થશે: અમૃત સરોવર પર રાષ્ટ્રધ્વજ ફરકાવાશે
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત રાજયના મુખ્ય સચિવ રાજકુમારના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે વિડીયો કોન્ફરન્સ યોજાઇ હતી, જેમાં રાજયના સર્વે કલેકટર, મ્યુ.કમિશ્નર, જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ જોડાયા હતા. આ વીસીમાં ભારત સરકાર દ્વારા દેશભરમાં ઓગસ્ટ 2023માં યોજાનારા ‘મેરી મીટ્ટી મેરા દેશ’ કાર્યક્રમના ગુજરાતમાં સુચારૂ અમલીકરણનું માર્ગદર્શન મુખ્ય સચિવએ આપ્યુ હતુ. આ કાર્યક્રમ સંદર્ભે 15મી ઓગષ્ટની શાનદાર ઉજવણી કરવા સંદર્ભે સૂચનાઓ અપાઇ હતી, રાજકોટમાં જિલ્લા કક્ષાની ઉજવણી વિંછીયા ખાતે થશે. વિંછીયામાં આ અંગે તડામાર તૈયારીઓ શરૂ થઇ છે.
- Advertisement -
જે રીતે ગત વર્ષે ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમ યોજાયો હતો તે રીતે રાજય સરકારના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા 75માં આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે ‘માટીને નમન વીરોને વંદન’ કાર્યક્રમ 9 ઓગષ્ટથી 30 ઓગસ્ટ સુધી યોજાશે. મુખ્ય પાંચ થીમ ઉપર આ કાર્યક્રમ યોજાશે, જેમાં અમૃત સરોવરો અથવા જળાશયો ઉપર એક નિયત પથ્થરના સ્ટ્રકચર ઉપર ‘શિલાફલકમ’ શહીદોને શ્રધ્ધાંજલિ આપવી, જન ભાગીદારીથી માટીના દીવા કરી પંચ પ્રાણ પ્રતિજ્ઞા કરી સેલ્ફી અપલોડ કરવી, વસુધાવંદન અન્વયે દરેક ગામમાં કોઈ એક સ્થળે 75 રોપા વાવીને અમૃત વાટિકા તૈયાર કરવી, સ્થાનિક વીરોને વંદન અનેધ્વજારોહણના કાર્યક્રમનો સમાવેશ થાય છે.