મતદાન કર્યું હશે તેવા દૂધ ઉત્પાદકોને પ્રતિ લીટરે રૂા. 1 પ્રોત્સાહન તરીકે અપાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.4
- Advertisement -
ચૂંટણી પંચ દ્વારા દેશના લોકશાહી પર્વમાં ભાગ લઈ વધુ ને વધુ નાગરિકો મતદાન કરે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, રાજકોટ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ. (રાજકોટ ડેરી) દ્વારા દૂધ ઉત્પાદકો અવશ્ય મતદાન કરે તે માટે શપથ લેવડાવવાના જાગૃતિ અભિયાનો કરવામાં આવેલ છે.
ગુજરાત કો.ઓપ. મિલ્ક માર્કેટિંગ ફેડરેશન દ્વારા પણ વધુમાં વધુ દૂધ ઉત્પાદકો મતદાન કરે તે માટે રાજ્યના દૂધ સંઘોને સતત માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી છે. મંડળીના દૂધ ઉત્પાદકો પોતાના મતાધિકારનો ઉપયોગ પરિવાર સાથે કરે તે માટે તેઓને પ્રોત્સાહન પૂરૂ પાડવા તેમજ તમામ દૂધ ઉત્પાદકો તા. 7ના રોજ સવારે 11-00 કલાક સુધીમાં મતદાન કરી દે તેવો અનુરોધ કર્યો છે.
રાજકોટ ડેરી દ્વારા મંડળી સાથે જોડાયેલા દૂધ ઉત્પાદકો અવશ્ય મતદાન કરે તે માટે પ્રતિ લીટરે રૂા. 1 પ્રોત્સાહન આપવાનો નિર્ણય કર્યો છે. મંડળીમાં દૂધ ભરતા જે દૂધ ઉત્પાદકોએ લોકસભાની ચૂંટણીમાં મતદાન કર્યું હશે અને મતદાન કર્યા અંગેનું આંગળી પરનું નિશાન દૂધ મંડળી કક્ષાએ મંત્રીને બતાવે તો તેમને તા. 7-5ના રોજ સાંજના ટંકે જેટલા લીટર દૂધ ભરાવેલું હશે તે માટે પ્રતિ લીટરે રૂા. 1 પ્રોત્સાહન તરીકે આપવામાં આવશે. આ પ્રોત્સાહનનો ખર્ચ દૂધ સંઘ અને ફેડરેશન સંયુક્ત રીતે સમાન દરે ભોગવશે તો સંઘ આયોજિત તમામ દૂધ મંડળીઓ સાથે જોડાયેલા દૂધ ઉત્પાદકોને લોકસભાની ચૂંટણીમાં અવશ્ય મતદાન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.