એલઇડી સ્ક્રીન પર લાઇવ મેચનું હેમુ ગઢવી હોલ, ડ્રાઇવ ઇન સિનેમા, મવડી ચોકડી પાસે, લક્ષ્મીનગર મેઇન રોડ, નાણાવટી ચોક પાસે આયોજન કરાયું હતું
સગાઇ પ્રસંગમાં સગાં-સંબંધીઓ હાજરી આપે તે માટે પાર્ટી પ્લોટમાં એલઇડી સ્ક્રીન મુકવામાં આવી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેના ફાઇનલ જંગના પગલે રંગીલા રાજકોટમાં રવિવારે અલગ જ પ્રકારનો માહોલ જોવા મળ્યો હતો. શહેરમાં સવારથી જ ક્રિકેટ ફીવર છવાયો હતો. મેચ ભલે અમદાવાદમાં રમાયો પરંતુ શહેરના ક્રિકેટ રસિકોએ ફાઇનલ મેચને ઉત્સાહના અવસરમાં ફેરવવા માટે ઠેર ઠેર આયોજન કર્યા હતા. બપોરે મેચ શરૂ થતાની સાથે જ શહેરના રાજમાર્ગોની સાથે શેરી-ગલીઓ સૂમસામ થઇ ગયા હતા. મોટા ભાગના ક્રિકેટ રસિકોએ પરિવારના સભ્યો સાથે ઘરે, ફાર્મહાઉસ જેવા સ્થળોએ ટીવી તેમજ મોટી એલઇડી સ્ક્રીન પર મેચ જોવાનું આયોજન કર્યું હતું. શહેરની રેસ્ટોરન્ટોમાં પણ ક્રિકેટ ફીવર જોવા મળ્યો હતો. શહેરમાં સૌથી મોટું આયોજન રેસકોર્સ સ્થિત માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમમાં કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકા દ્વારા અહીં 30ડ60ની મોટી એલઇડી સ્ક્રીન ગોઠવવામાં આવી હતી. બિગ સ્ક્રીનને કારણે સ્ટેડિયમમાં ઉપસ્થિત હજારો ક્રિકેટ રસિકોએ સંગીતના સથવારે લાઇવ મેચ નિહાળ્યો હતો.
ક્રિકેટ રસિકોની ચિચિયારીઓથી રેસકોર્સ ગુંજી ઉઠ્યું હતું. દિવસ જેમ જેમ ઢળતો ગયો તેમ તેમ વિવિધ સ્થળોએ જાહેરમાં રાખવામાં આવેલી એલઇડી સ્ક્રીન પર મેચ જોવા ક્રિકેટ રસિકોની ભીડ એકઠી થઇ ગઇ હતી. એલઇડી સ્ક્રીન પર લાઇવ મેચનું હેમુ ગઢવી હોલ, ડ્રાઇવ ઇન સિનેમા, મવડી ચોકડી પાસે, લક્ષ્મીનગર મેઇન રોડ, નાણાવટી ચોક પાસે પણ આયોજન કરવામાં આવ્યું હતું. દેશભરમાં રવિવારે ક્રિકેટ ફીવર છવાયો છે. ત્યારે રાજકોટમાં એક પારિવારિક પ્રસંગમાં અનોખો ક્રિકેટ ફીવર જોવા મળ્યો છે. શહેરના હાપલિયા પરિવારમાં સગાઇનો પ્રસંગ હોય કોઠારિયા રોડ પર આવેલા બિલીપત્ર પાર્ટી પ્લોટમાં આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સગાઇ પ્રસંગમાં સગાં-સંબંધીઓ હાજરી આપે તે માટે પાર્ટી પ્લોટમાં એલઇડી સ્ક્રીન મુકવામાં આવી હતી.