સૌરાષ્ટ્રના 83 ડેમમાંથી 50 ડેમ અડધોઅડધ ભરાયા, આજી-2 ડેમ હેઠળ આવતાં 10 ગામને સાવચેત કરાયાં
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેરમાં વરસાદી વાતાવરણ વચ્ચે ગઈકાલે(3 જુલાઈ) ચાર ઇંચ વરસાદ વરસતા રાજકોટ શહેરમાં સિઝનનો કુલ વરસાદ 16 ઇંચથી વધુ નોંધાઈ ચૂક્યો છે અને જળાશયોમાં પણ નવા નીરની આવક થવા પામી છે. રાજકોટની જીવાદોરી સમાન આજી-1 64% અને નવા રાજકોટને પાણી પૂરું પાડતા ન્યારી-1 ડેમની આજની સપાટી 55%થી વધુ છે. જયારે ભાદર ડેમની સપાટી 42%થી વધુ ભરેલી છે.
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં સિંચાઈ માટે ઉપયોગી આજી-2 અને ન્યારી-2 ડેમ પણ લગભગ છલોછલ છે. એટલે આ વર્ષે પણ રાજકોટના ખેડૂતો માટે સારા સમાચાર કહી શકાય અને તેમાં પણ આજી-2 ડેમના 2 દરવાજા 0.15 મીટર ખોલવામાં આવતા હેઠવાસના ગામોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ચોમાસાની ઋતુ જામી છે ત્યારે રાજકોટ શહેરમાં પણ ગઈકાલે બપોરના સમયે શરૂ થયેલ ધોધમાર વરસાદથી શહેર આખું પાણી પાણી થઇ ગયું હતું. રસ્તા પર વરસાદી પાણી ભરાતા ક્યાંક ટ્રાફિક જામ તો ક્યાંક વાહનચાલકોના વાહન બંધ પડ્યા હોવાનું સામે આવ્યું હતું. જ્યારે દર વખતની જેમ માત્ર અડધો કલાકના વરસાદમાં પોપટપરાનું ગરનાળું પાણીમાં ગરકાવ થઇ જતા પાણીના પ્રવાહના કારણે ઇલેક્ટ્રિક સિટી બસ નાળામાં ફસાઈ ગઈ હતી. આ ઉપરાંત રાજકોટ શહેરના 150 ફૂટ રિંડ રોડ, માધાપર, ગાંધીગ્રામ, રેસકોર્સ, યાજ્ઞિક રોડ, ગોંડલ રોડ, મવડી પ્લોટ, રૈયા રોડ, યુનિવર્સીટી રોડ, કાલાવડ રોડ સહિત સમગ્ર રાજકોટમાં વરસાદના કારણે પાણી ભરાયેલ જોવા મળ્યા હતા.
રાજકોટ શહેરમાં ગઈકાલે બપોરના 1 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધીમાં 3.50 ઇંચ અને સાંજના 7 વાગ્યા સુધી કુલ 4 ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો હતો. જેમાં રાજકોટના સેન્ટ્રલ ઝોનમાં 102 મીમી, પૂર્વ ઝોનમાં 88 મીમી અને પશ્ચિમ ઝોનમાં 79 મીમી વરસાદ વરસ્યો હતો. આમ સિઝનનો કુલ વરસાદ રાજકોટ શહેરમાં 16 ઇંચ કરતા વધુ નોંધાઈ ચુક્યો છે. જયારે રાજકોટ શહેર સાથે સાથે જિલ્લાના ધોરાજી, ગોંડલ, જામકંડોરણા, ઉપલેટામાં પણ વરસાદી માહોલ વચ્ચે છુટોછવાયો વરસાદ વરસ્યો હતો. આજે પણ હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.