રાજકોટ મનપા તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી
શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
- Advertisement -
શહેરના સરદારનગર વિસ્તારમાં મોટો ભૂવો પડી જતા ટ્રક ફંસાયો હતો
ખાસ-ખબર સંવાદદાતા
ભારત સરકારના પૃથ્વી-વિજ્ઞાન મંત્રાલય અંતર્ગત ભારત મોસમ વિજ્ઞાન વિભાગના મોસમ કેન્દ્ર, અમદાવાદ દ્વારા ગુજરાત રાજ્યના તમામ જિલ્લામાં 1 જુલાઈ સુધીની હવામાન આગાહી જાહેર કરાઈ છે. જે મુજબ રાજકોટ જિલ્લામાં આજથી ત્રણ દિવસ એટલે કે 1 જુલાઈ દરમિયાન મોટાભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આજે સવારથી રાજકોટ શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યા બાદ શહેરમાં રાત્રીના 8 વાગ્યાથી એકાએક ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થયો હતો અને 10 વાગ્યા સુધી 2 ઇંચ વરસાદ વરસી ગયો હતો.
અંદાજે દોઢે કલાકમાં પડેલા બે ઇંચ જેટલા સામાન્ય વરસાદે મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી હતી અને શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાતા વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. એટલું જ નહીં સરદારનગર વિસ્તારમાં મોટો ભૂવો પડી જતા ટ્રક ફંસાયો હતો અને રસ્તાની કામગીરી નબળી હોવાની પોલ ખુલી હતી. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવતા લોકોમાં તંત્રની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે.
- Advertisement -
સીસીટીવીમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ભારે વરસાદના માહોલમાં સરદારનગર રોડ પરથી એક ટ્રક પસાર થઈ રહ્યો છે. અચાનક રસ્તા પર ભૂવો પડતા ટ્રકનું પાછળનું એક વહીલ રસ્તામાં ઘૂસી જાય છે. જેને પગલે નજીકમાં ઉભા રહેલા વેપારીઓમાં નાસભાગ મચી જાય છે. આ ઘટનાને પગલે થોડીવાર માટે ટ્રાફિકથી સતત ધમધમતા સરદારનગર રોડ પર ટ્રાફિકજામનાં દૃશ્યો સર્જાયા હતા. જોકે, આ અંગેની જાણ થતાં પોલીસ અને મનપાની ટીમો દોડી ગઈ હતી અને ટ્રકને બહાર કાઢી ટ્રાફિક પૂર્વવત કરાવવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.