આંગડિયા પેઢીના વ્યવસાયી દીપક ભાટિયાને ઇન્કમ ટેક્સની ફરિયાદના તમામ આરોપોમાંથી ડિસ્ચાર્જ કરાયા; લાંબા સમય સુધી પુરાવા રજૂ ન થતા કોર્ટે નિર્ણય લીધો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેર ચીફ કોર્ટમાં એક મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે, જેમાં વર્ષ 2013ની ઇન્કમ ટેક્સ રેડમાં મળેલા અધધધ ₹553 કરોડના બેનામી હિસાબો સંબંધિત ફરિયાદમાં આરોપીને તમામ તહોમતોમાંથી મુક્ત કરી દેવામાં આવ્યો છે. રાજકોટના રહેવાસી અને આંગડિયા પેઢીના વ્યવસાય સાથે સંકળાયેલા દીપકભાઈ ઈશ્વરભાઈ ભાટિયાના ઘરે 17/01/2013ના રોજ રેડ પાડવામાં આવી હતી. ઇન્કમ ટેક્સ ખાતા દ્વારા હિસાબી વર્ષ 2007-08 થી 2013-14 સુધીના બેનામી હિસાબોના આધારે કુલ ₹553 કરોડની ટેક્સ ચોરીની માંગણી ઊભી કરીને નોટિસ આપવામાં આવેલી. આરોપી દ્વારા રકમ જમા ન કરાવાતા, ઇન્કમ ટેક્સ ખાતાએ કલમ 276(ઈ) હેઠળ 17/02/2016 ના રોજ શો-કોઝ નોટિસ કાઢી અને ત્યારબાદ 22/03/2016 ના રોજ રાજકોટ અધિક ચીફ કોર્ટ સમક્ષ ફરિયાદ દાખલ કરી હતી.
કોર્ટમાં ફરિયાદ દાખલ થયા બાદ ઇન્કમ ટેક્સ ખાતાના સરકારી વકીલ દ્વારા આરોપી વિરુદ્ધ તહોમતનામું રજૂ કરાયું હતું. જોકે, આરોપીના વકીલ પાર્થરાજસિંહ ઝાલાએ માંગણી કરેલ વધારાના પુરાવા સાથેની પેપરબુક રજૂ કરવામાં સરકારી વકીલ લાંબા સમય સુધી અસમર્થ રહ્યા હતા. આ દરમિયાન, ઇન્કમ ટેક્સ ટ્રિબ્યુનલ રાજકોટ બેન્ચ દ્વારા આરોપીને આંગડિયા નહિ પણ શ્રોફના ધંધા સાથે સંકળાયેલ માનવામાં આવેલ.
આ કેસમાં આરોપી દીપકભાઈ ભાટિયા તરફે વકીલ પાર્થરાજસિંહ ઝાલા દ્વારા સુપ્રીમ કોર્ટ અને વિવિધ ટ્રિબ્યુનલોના ચુકાદાઓ રજૂ રાખી દલીલ કરતા, રાજકોટના અધિક ચીફ કોર્ટના સાહેબ ડી.ડી. શાહ દ્વારા આરોપીને તમામ પ્રકારના તહોમતોમાંથી ડિસ્ચાર્જ કરી મુક્ત કરી દેવાનો હુકમ ફરમાવવામાં આવ્યો છે, જેને લાખોમાં એક એવો હુકમ માનવામાં આવે છે.



