કરણપરા કાર્યાલયના બિલ્ડિંગની કિંમત આશેર બે કરોડ આસપાસ રખાઇ
બિલ્ડિંગના માર્કેટ વેલ્યુ બાબતે સર્વે ચાલી રહ્યો છે અને તે પૂર્ણ થયા પછી દરખાસ્ત પ્રદેશ ભાજપમાં મોકલાશે: કમલેશ મીરાણી
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ શહેર ભાજપનું નવું કાર્યાલય શીતલ પાર્ક નજીક બની જતા હવે કરણપરામાં આવેલું કાર્યાલય બંધ પડ્યું છે. જો કે, તેના વેચવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ મૂદ્દે શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણીએ જણાવ્યું હતું કે, અત્યારે આ બિલ્ડિંગના માર્કેટ વેલ્યુ બાબતે સર્વે ચાલી રહ્યો છે અને તે પૂરો થયા પછી વિધિવત દરખાસ્ત પ્રદેશ ભાજપમાં મોકલવામાં આવશે. શહેર ભાજપ કાર્યાલય બિલ્ડીંગની માલિકી કોઈ વ્યક્તિની નહીં પરંતુ પંડિત દિન દયાલ ટ્રસ્ટના નામે છે અને તેનું સમગ્ર સંચાલન પ્રદેશ ભાજપમાં સુરેન્દ્ર કાકા સંભાળી રહ્યા છે.
ગુજરાત રાજકારણની પાઠશાળા ગણાતા રાજકોટમા ભાજપ કોઇ પણ ચૂંટણી હોય ત્યાંજ બેઠક કરતા એ કરણપરાનુ ભાજપ કાર્યાલય હતુ જો કે, હવે તો નવા 150 ફૂટ રીંગ રોડે મિની કમલમે આકાર લઇ લીધો છે અને શરુ પણ થઇ ગયું છે પણ કરણપરાના કાર્યાલયે બેસીને ભાજપે અનેક રાજકીય દાવપેચ ખેલ્યાં છે તે વાત પણ
સાચી છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ જૂનું કાર્યાલય બંધ કરી દેવાયું હતું અને અહીં રાખવામાં આવેલી ફાઈલ તથા અન્ય દસ્તાવેજો નવા કાર્યાલયમાં શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા. સૌરાષ્ટ્ર ઝોનનું કાર્યાલય બની શકે તે મુજબ નવું કાર્યાલય બનાવવામાં આવ્યું છે અને તેની પાછળ જમીન ખરીદીમાં રુ.18 કરોડ અને બાંધકામમાં 10થી 12 કરોડનો ખર્ચ થવા પામ્યો છે. નવું કાર્યાલય બની ગયા બાદ કરણપરામાં આવેલા જૂના કાર્યાલયનો કોઈ ઉપયોગ પણ થતો નથી અને અત્યારે તે બંધ હાલતમાં છે. કરણપરાનું ભાજપનું જૂનું કાર્યાલય શહેરની મધ્યમાં હોવાનો મૂદ્દો તેના માટે પ્લસ પોઇન્ટ છે.