રાજકોટના ગાંધીગ્રામમાં સત્યનારાયણ પાર્ક-2ના બ્લોક નં.85માં રહેતા હિતેષભાઇ ડાયાભાઇ ગોહેલ (ઉં.વ.37)નો મૃતદેહ બે દિવસથી બંધ ઘરમાંથી મળી આવ્યો છે. બે દિવસ જેટલો સમય વીતી જતા હિતેષભાઇને મૃતદેહ ફૂલાય ગયો હતો. મામા પરેશભાઇ જાનાણી ભાણેશ હિતેષભાઇને બે દિવસથી ફોન કરતા હતા પરંતુ ફોન રિસીવ ન થતા તેઓ ઘરે દોડી આવ્યા હતા અને ઘરમાં પ્રવેશતા જ હિતેશભાઇનો મૃતદેહ જોયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી અને મૃતદેહ ફોરેન્સિક પીએમ માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. પરિવારજનોએ પોલીસ સમક્ષ પત્ની અને સાળાના ત્રાસથી જીવ દીધાનો આક્ષેપ કર્યો છે. હિતેષભાઇની પત્ની છેલ્લા 6 મહિનાથી રિસામણે છે.
શહેરના લક્ષ્મીવાડી વિસ્તારમાં રહેતાં પરેશભાઇ બે દિવસથી ભાણેજ હિતેષભાઇને ફોન કરતાં હતાં. પણ તે ફોન રિસીવ કરતાં નહોતા. આથી ગત રાત્રે તેઓ રૂબરૂ સત્યનારાયણ પાર્કમાં ભાણેજના ઘરે આવ્યા હતાં. ઘર અંદરથી બંધ હોય ખખડાવવા છતાં નહીં ખોલતાં પોલીસને જાણ કરી હતી. પોલીસે પહોંચી દરવાજો તોડીને જોતાં હિતેષભાઇની ફુલાય ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. બે દિવસથી મૃતદેહ પડ્યો હોવાથી ફુલાય ગયાની શક્યતા પોલીસે દર્શાવી હતી. હિતેષભાઇ એક બહેનથી નાના હતાં અને પરિવારનો આધારસ્તંભ હતાં. બનાવથી સ્વજનોમાં કલ્પાંત સર્જાયો હતો.