અમિત સેહરા મિત્ર સાથે પંજાબ ફરવા ગયો હતો ત્યારે મિત્ર પાસે ઉછીના પૈસા લઈ લોટરીની બે ટિકિટ ખરીદી અને 11 કરોડ જીત્યો, હવે જીતેલી રકમમાંથી મિત્રને 1 કરોડ રૂપિયા આપશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
જયપુર જિલ્લાના કોટપુતલી ગામના રહેવાસી અને શાકભાજી વિક્રેતા અમિત સેહરાની જિંદગી અચાનક બદલાઈ ગઈ છે, કારણ કે તેને 11 કરોડની લોટરી લાગી છે. અમિત સેહરાએ પોતાના એક મિત્ર સાથે પંજાબ ફરવા ગયો હતો ત્યારે તેણે લોટરીની બે ટિકિટ ખરીદી હતી. હવે ખાસ વાત એ છે કે, શાકભાજી વેચીને પરિવારનું ભરણપોષણ કરનાર અમિત સેહરા ભલે ’નવો કરોડપતિ’ બન્યો છે, પરંતુ તે દિલથી તો પહેલાથી જ અમીર હતો. તો જ તો તે જે મિત્ર પાસેથી 1000 રૂપિયા ઉધાર લઈને 11 કરોડ જીત્યો એ મિત્રને 1 કરોડ રૂપિયા આપવા જઈ રહ્યો છે.
રાજસ્થાનમાં જયપુરના કોટપુતલીના નિવાસી અમિત સેહરા હાલમાં ચર્ચામાં છે. લોકો તેના નસીબની જ નહીં પરંતુ તેની નમ્રતા અને મિત્રની મદદને યાદ રાખવાની બાબતની પણ પ્રશંસા કરી રહ્યા છે. વાસ્તવમાં અમિત સેહરા પોતાના મિત્ર મુકેશ સાથે પંજાબ ફરવા ગયો હતો. તેણે ભઠિન્ડામાં એક લોટરીની દુકાન અને ટિકિટ ખરીદનારા લોકોની ભીડ જોઈ અને તે લલચાઈ ગયો. તે પણ પોતાનું નસીબ અજમાવવા માગતો હતો. તેને ખબર પડી કે ટિકિટની કિંમત 500 રૂપિયા છે. તે સમયે અમિતના ખિસ્સામાં ટિકિટ ખરીદવા પૂરતા પૈસા નહોતા. તેણે સંકોચ કર્યા વિના તરત જ મુકેશ પાસેથી 1000 રૂપિયા ઉધાર લીધા.
અમિત સેહરાએ તરત જ દુકાનમાંથી બે લોટરી ટિકિટ ખરીદી. એક પોતાની પત્નીના નામે અને એક ખુદના નામે. પંજાબ સ્ટેટ લોટરી-દિવાળી બમ્પર 2025 માટે 11 કરોડનો જેકપોટ નીકાળવાનું હતું. ત્યારે અમિતને ખબર નહોતી કે તેને હવે પછી ક્યારેય ઉધાર પૈસા લેવાની જરૂર નહીં પડે. તે પંજાબથી રાજસ્થાન પરત આવી ગયો હતો. પરંતુ જ્યારે તેને ખબર પડી કે સૌથી મોટું ઈનામ જીતનાર ભાગ્યશાળી પોતે જ છે, ત્યારે તેણે ન તો ભગવાનનો આભાર માનવાનું ભૂલ્યો કે ન તો પોતાના મિત્રની એ મદદ ભૂલ્યો.
સેહરાએ ભાવુક થઈને કહ્યું કે, ’મારી પાસે લોટરી ઈનામ પ્રાપ્ત કરવાની ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે ચંદીગઢ જવા માટે પણ પૂરતા પૈસા નથી.’ જયપુરના કોટપુટલીનો રહેવાસી અને લારી પર શાકભાજી વેચતા સેહરાએ કહ્યું, ’આ ભગવાનનો આશીર્વાદ છે કે તેમણે મને આટલી મોટી લોટરી જીતાડી. હું આ પૈસા મારા બે નાના બાળકોના શિક્ષણ પાછળ ખર્ચ કરીશ અને ઘર પણ બનાવીશ. હું લોટરી ટિકિટ માટે ઉધાર પૈસા આપવા બદલ મારા મિત્ર મુકેશને 1 કરોડ રૂપિયા આપીશ.’ હવે અમિત તેના મિત્ર મુકેશની બે પુત્રીઓને 50-50 લાખ રૂપિયા આપવા જઈ રહ્યો છે.



