ઉધરસના 312, તાવના 73, ઝાડા-ઉલ્ટીના 84, ચિકનગુનિયાના 2 કેસ નોંધાયા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં વરસાદી માહોલ વચ્ચે રોગચાળાએ ફરી માથું ઉંચક્યું છે. ડેંગ્યુ, મલેરિયા, ચિકનગુનિયા જેવા રોગોના કેસો વધી રહ્યા છે. હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી લાઈનો લાગી છે. છેલ્લાં એક અઠવાડિયામાં ડેંગ્યુ, મલેરિયાના એક-એક અને ચિકનગુનિયાના બે કેસ નોંધાયા છે. મિશ્ર ઋતુના કારણે શરદી-ઉધરસના 312, તાવના 73, ઝાડા-ઉલ્ટીના 84 કેસ નોંધાયા છે.
- Advertisement -
આ રોગચાળા દ્વારા ઉભા થતાં જાહેર આરોગ્ય પડકારને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્તરે ઘનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. વાહક નિયંત્રણની કામગીરી હેઠળ તા. 27/06થી તા. 3/07 દરમ્યાન પોરાનાશક કામગીરી હેઠળ 24,461 ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલી છે તથા 208 ઘરોમાં ફોગીંગ કામગીરી કરવામાં આવી હતી.
મચ્છરની ઘનતા વઘુ હોય તેવા વિસ્તારોને વ્હિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવે છે. આ કામગીરી હેઠળ ગ્રીનપાર્ક, લાલપાર્ક-ર, હરીદ્વાર રોડ, ક્રિષ્નાપાર્ક, અર્ચના પાર્ક, માટેલ સોસા., સ્વામીનારાયણપાર્ક વગેરે વિસ્તારો ફોગીંગ કામગીરી કરવામાં આવી છે.
ડેંગ્યુ રોગ અટકાયતીના ભાગરૂપે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોમર્શિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવી છે. આ કામગીરી હેઠળ રહેણાંક સિવાય અન્ય 554 પ્રીમાઇસીસ (બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં5, સરકારી કચેરી વગેરે)નો મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવેલ છે. જેમાં રહેણાંક સહિત મચ્છર ઉત્પતિ સબબ 699 આસામીને નોટીસ આપવામાં આવી છે.
- Advertisement -
રાજકોટમાં 20 દિવસ બાદ પોઝિટિવ કેસ ‘શૂન્ય’
રાજકોટ શહેરમાં 20 દિવસ બાદ રવિવારે કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. શહેરમાં છેલ્લે 14 જૂને શૂન્ય કેસ નોંધાયા હતા. આ ઉપરાંત 9 લોકો કોરોના મુક્ત થતા હાલ 57 દર્દીઓ સારવાર હેઠળ છે. શહેરમાં હાલ મોચીનગરમાં 45 વર્ષીય પુરુષ, એસ્ટ્રોન સોસાયટીમાં 74 વર્ષીય વૃદ્ધ, માધાપર ચોકડી પાસે 45 વર્ષીય મહિલા અને 55 વર્ષીય પુરુષ, રૈયા રોડના આલાપ ગ્રીન સિટીમાં 49 વર્ષીય મહિલા, વૈશાલી નગરમાં 63 વર્ષીય વૃદ્ધા અને પૂજારા ટેલિકોમ પાસે રહેતા 37 વર્ષીય યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અને તેઓ હોમ આઇસોલેટ થયા છે