-ચોમાસુ નિયત સમય કરતાં વહેલા ચાલુ થયો
ચોમાસાએ તેના નિયત સમય કરતાં છ દિવસ અગાઉ સમગ્ર દેશને આવરી લીધો છે. હવે રાજસ્થાન, દિલ્હી, પંજાબ અને હરિયાણાના બાકીના ભાગોમાં વરસાદ પડી જતાં હવે સમગ્ર દેશમાં ચોમાસાનો વિધિસરનો પ્રવેશ થઈ ગયો છે તેમ હવામાન વિભાગે જણાવ્યું હતું.
- Advertisement -
બીજી બાજુ હવામાન વિભાગે કહ્યું છે કે, જુલાઈમાં દેશભરમાં ચોમાસુ સામાન્ય રહેવાની ધારણા છે. માત્ર પુર્વી યુપી અને દક્ષિણ બિહારમાં થોડીક અછત સર્જાય તેવી ધારણા છે. જો કે રવિવારે સમગ્ર દેશમાં ચોમાસું પહોંચી ગયું છે. આમ તેની સામાન્ય તારીખ આઠ જુલાઈ છે.
જો કે બીજી બાજુ 16 રાજયો અને કેન્દ્રશાસીત પ્રદેશોમાં જૂનમાં વરસાદ પ્રમાણમાં ઓછો રહ્યો હતો. બિહાર અને કેરળમાં સામાન્યથી અનુક્રમે 69 ટકા અને 60 ટકા નીચો વરસાદ નોંધાયો હતો. ઉતરપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઝારખંડ, આંધ્રપ્રદેશ અને તેલંગણા જેવા અન્ય કેટલાક રાજયોમાં જૂનમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થયો હતો.
આઈએમડીના ડિરેકટર જનરલ મૃત્યુંજય મોહપાત્રાએ જણાવ્યું હતું કે ‘જુલાઈ 2023માં સમગ્ર દેશમાં સરેરાશ માસિક વરસાદ સામાન્ય (એલપીએના 94થી 106 ટકા) રહેવાની ધારણા છે. જે સામાન્ય વરસાદ કહેવાય છે.’
- Advertisement -
જુલાઈમાં દેશમાં વરસાદનો લોંગ પીરીયડ એવરેજ (એલપીએ) 1971-2020 પર આધારિત છે. જે આશરે 280.4 એમએમ જેટલો હોય છે. જુલાઈમાં અલનિનોની અસર પણ થવાની છે. જો કે જૂનમાં તેની અસર છતાં વરસાદ સામાન્ય રહ્યો હતો.
મોહપાત્રાએ જણાવ્યું હતું કે દેશમાં 377 વેધર સ્ટેશનોમાં દૈનિક 115.6થી 204.5 એમએમ ભારે વરસાદ નોંધાયો હતો. 62 સ્ટેશનોમાં અતિભારે વરસાદ પડયો હતો. જુલાઈમાં ઉતરપશ્ચિમ અને મધ્ય ભારતના કેટલાક વિસ્તારોને બાદ કરતાં સમગ્ર દેશના મોટાભાગના વિસ્તારોમાં તાપમાન સામાન્યથી વધુ રહેવાની ધારણા છે.