પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ : લખનૌમાં તોફાની વરસાદ ખાબકયો, ઠેર-ઠેર પાણી ભરાયા
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.6
મુંબઈમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઇ ગઇ છે અને અમુક વિસ્તારોમાં વરસાદ પડયો છે. સાયનમાં 30 મીમી (સવા ઇંચ) સુધીનો વરસાદ નોંધાયો છે, પરંતુ મુંબઈના ઘણા ભાગો હજુ પણ પ્રિ-મોન્સૂન વરસાદની રાહ જોઈ રહ્યા છે. તો ગુજરાતમાં 14 જુન સુધીમાં ચોમાસુ બેસવાનું છે. હવામાન નિષ્ણાતોના અનુસાર પ્રિ-મોન્સુન એક્ટિવિટીઝ ટૂંક સમયમાં વધશે અને અન્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાશે. હાલ મુંબઈમાં લોકોને ગરમીથી રાહત મળી છે. વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાયાના અહેવાલ છે.
- Advertisement -
મુંબઈમાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે ગરમી પડી રહી છે. પરંતુ મુંબઈ માટે આજનો દિવસ રાહતનો છે. કારણ કે, આજે નવી મુંબઈ સહિત અનેક ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે લોકોને છેલ્લા કેટલાક સમયથી આકરી ગરમી અને ભેજમાંથી થોડી રાહત મળી છે. દેશમાં ચોમાસાની એન્ટ્રી થયા બાદ પ્રી-મોન્સુન વરસાદે રવિવારે મુંબઈમાં પ્રવેશ કર્યો હતો. ચોમાસું ગોવા પહોંચી ગયું છે અને 10 જૂન સુધીમાં મુંબઈ પહોંચી જશે.
હવામાન વિભાગે તા.8 અને 9 જૂનના રોજ કોંકણ, ગોવામાં અલગ-અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે 9 જૂને મધ્ય મહારાષ્ટ્રમાં વિવિધ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે મુંબઈમાં ગરમી અને ભેજવાળા વાતાવરણને કારણે લોકો પરેશાન થયા હતા. હવામાન વિભાગે ગુજરાતમાં 14 જૂન સુધીમાં ચોમાસું બેસવાની આગાહી કરી છે.
દરમ્યાન ઉત્તરપ્રદેશના લખનૌમાં આજે ધીમા વરસાદ સાથે વાવાઝોડુ ફુંકાતા અનેક વિસ્તારમાં મોટર કારો પર ઝાડ પડયા છે. અમુક જગ્યાએ નુકસાની થઇ છે. યુપીના અવધમાં અને પાટનગર લખનૌ આસપાસના જિલ્લાઓમાં પણ ભારે વરસાદ પડતા જનજીવન પ્રભાવિત થયો છે. આજે તાપમાનમાં પણ ઘટાડો થયો છે.
ગુજરાતની વાત કરીએ તો હાલ ઉનાળાની વિદાય અને ચોમાસાના આગમની તૈયારી છે તેની વચ્ચે પ્રિ-મોનસૂન એક્ટિવિટિને પગલે ભાવનગરમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જુનના પ્રારંભથી જ તાપમાનમાં ઘટી રહ્યું છે. આજે મહત્તમ અને લઘુતમ તાપમાનમાં ઘટાડો થયો છે. શહેરમાં વાદળછાયા વાતાવરણ સાથે પવનની હાજરીથી ગરમીમાં રાહત મળી છે. છેલ્લા પાંચ દિવસમાં ગરમીનો પારો 3.5 ડિગ્રી સુધી ઘટી ગયો છે.
- Advertisement -
હવામાન વિભાગ દ્વારા ભાવનગરમાં આગામી 8મી જુનથી છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે. ઉનાળાની વિદાયની સાથે ચોમાસાના આગમનની તૈયારી વચ્ચે પ્રિ-મોનસૂન એક્ટિવિટિના પગલે ભાવનગરમાં આગામી 8મી જુનને શનિવારથી છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આમ તો ભાવનગરમાં જુનના અંત કે જુલાઈના પ્રારંભથી વિધિવત્ ચોમાસું બેસે છે પરંતુ પ્રિ-મોનસૂન એક્ટિવિટિને પગલે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઋતુ પરિવર્તનની પરિસ્થિતિ વચ્ચે આજે ભાવનગરમાં વાદળછાયા વાતાવરણ સાથે પવનની હાજરીથી ગરમીમાં રાહત મળી હતી. છેલ્લા 24 કલાકમાં મહત્તમ તાપમાન 1.4 ડિગ્રીના ઘટાડા સાથે 37.4 ડિગ્રી નોંધાયું છે તથા લઘુતમ તાપમાન આજે પણ 29.6 ડિગ્રીએ સ્થિર રહ્યું છે. ભાવનગરમાં આજે સવારે હવામાં ભેજનું પ્રમાણ 60 ટકા હતું જે દિવસ દરમિયાન ઘટીને 50 ટકા રહ્યું હતું. જ્યારે સવારે પવનની ગતિ 10 કિમી પ્રતિકલાકની નોંધાઈ હતી જે દિવસ દરમિયાન વધીને 30 કિમી પ્રતિ કલાકની રહી હતી. ગઈકાલે મહત્તમ તાપમાન 38.9 ડિગ્રી અને લઘુતમ તાપમાન 29.6 ડિગ્રી નોંધાયું હતું. 1લી જુનથી છેલ્લા પાંચ દિવસોમાં ગરમીનો પારો 3.5 ડિગ્રી સુધી ગગડયો છે.
1લી જુને મહત્તમ તાપમાન 40.9 ડિગ્રી અને લઘુતમ તાપમાન 28.6 ડિગ્રી નોંધાયું હતું. છેલ્લા પાંચ દિવસથી ગરમીનો પારો 40 ડિગ્રીની નીચે જ રહ્યો છે અને બીજી તરફ હવામાન વિભાગની વરસાદની આગાહીને પગલે આગામી દિવસોમાં તાપમાન ઘટવાની સંભાવના છે.