નીતા દવે
આભ સરીખું હદય આજ બન્યું એકાકાર
વાદળની વેદના વરસી, વહી અનરાધાર
અકળ વિકળ જગત સર્વે આજે હતું સજળ
ગોરંભાયેલું ગગન પછી, વરસ્યું અનરાધાર
- Advertisement -
ચોમાસું એટલે વ્હાલનો અવસર. રંગ વગરનું પાણી જગતને રંગીન કરી જાય છે. ઝરમર વરસતો વરસાદ માત્ર શરીરને જ નહીં પણ મનને પણ તરબતર કરી દેતો હોય છે. પ્રકૃતિથી લઈ અને સમગ્ર જીવસૃષ્ટિ ઉપર ચારે બાજુ જાણે પ્રણય તત્વનો જાદુ છવાયો હોય તેવું રંગીન વાતાવરણ થઈ જાય છે. વરસાદ પહેલો કે છેલ્લો એવું કંઈ ન હોય એ તો બસ મન મૂકીને વરસેજો જીલી શકો તો તમારો થઈને રહે અને અવગણો તો એ ભીનાશનો અવસર આંતર મન સુધી કોરપ મૂકીને જતો રહે.
ઋતુચક્રની ત્રણેય ઋતુમાં વર્ષાઋતુને પરિવર્તનનાં સમય તરીકે ઓળખવામાં આવે છે. આ પરિવર્તન માત્ર બાહ્ય જ હોતું નથી. વરસાદ આવવાથી માત્ર ધરા જ ભીની નથી થતી,પરંતુ યૌવનના આંગણે ઉભેલી એક યુવાન સ્ત્રી પણ કાચી માટી ની જેમ પલળી અને મનનાં મેધધનુષમાં પ્રેમની રંગોળી ચીતરી લેતી હોય છે. એક દિવસના ચોમાસાને મળવા આખું વર્ષ રાહ જોતી તરસતીએ ચાતક સરીખીએ પ્રેમિકાની બે આંખો પ્રિયવર સમાન વરસાદનાં બે છાંટા ને ઝીલતા જ મોરની જેમ કળા કરી ખીલી ઊઠે છે.વરસાદમાં મળતા પ્રેમીજનનું એ મિલન વરસાદ ને પણ યાદગાર બનાવી બની જતું હોય છે.
હવે તો ચોમાસાની ઋતુનો ઉત્તરાર્ધ કહી શકાય. પરંતુ વરસાદ અને વ્હાલ ને ક્યાં કોઈ ઋતુનાં બંધન નડે છે.! કે,તેને ક્યાં કોઈ ગ્રહ નક્ષત્ર નું નડતર છે?
જેમ ધરતી ની તરસે વાદળ વરસેએ તરસ, એ મિલન અવિરત હોય. જાણે કે જન્માંત્તર સુધી વિરહના અવસાદને વેઠી ને બેઠેલી કોઈ મુગ્ધા..! જેમ ઉનાળાનાં ધખ ધખતા તાપમાં કાળી જમીન પર માટીનાં કોરાકટ થઈ ગયેલા ઢેફાની જેમ અંતરમાં સાવ સુકાઈ ગયેલી સંવેદનાને, ભીતર સુધીની કોરપને ભીનાશમાં પરિવર્તિત કરવા વરસાદ એક અવસર સમાન બની રહેતો હોય છે. ધરતી નાં સાતેય પડ ને ભેદીને પાતાળ સુધી ભીનાશને પ્રસરાતો આ ધીંગો વરસાદ મિલનનું એક ઉત્કૃષ્ટ સંભારણું બની રહેતો હોય છે.વરસાદી વાતાવરણ હોય અને પ્રિયજનનો સંગાથ હોય..!એક મેક માં ખોવાયેલા બે વિખુટા પડેલા હૈયા નિજાનંદ માં એકાંત ને માણતાં હોય..
હું, તું અને વરસાદ, પ્રસંગ જો આવો મળે,
જીંદગીને જીંદગી કહેવાનો લ્હાવો મળે
આથી આગળ સુખ ની વ્યાખ્યા માટે કદાચ કવિ પાસે શબ્દો પણ ઘટી પડે..!
વરસાદ એ અનેક સંભારણાંનો સાથી છે.બાળપણ હોય યુવાની કે વૃદ્ધત્વ ના અનુભવે બેઠેલી એક સમજણ..! બાળપણમાં શેરી મિત્રો સાથે વહેતા જળમાં વહાવેલા કાગળના વહાણો હોય કે પછી યુવાવસ્થામાં વરસતા વરસાદમાં પોતાની પ્રિયાને એક નજર જોવા માટે માઈલોની સફર કાપી અને તેને દુનિયા ની નજરથી છુપાવીને જોવાની કળા શીખેલો એક યુવાન હોયકે પછી સંબંધોની, સમજણની, અને દુનિયાદારીની અનુભવી આંખો પર વરસાદ નાં પડતાં બે ચાર છાંટા પર ગુસ્સે થઇ પોતના ચશ્માં નાં કાચ સાફ કરતું વૃદ્ધત્વ હોય..! વરસાદ અનેક સ્મરણોનો સંગાથી હોય છે. ક્યાંક સુખદ તો ક્યાંક દુ:ખદ..! કોઈને વરસાદમાં પ્રિયજન ને મળ્યાં નું સંભારણું હોય તો કોઈ એકાદ જણ એવું પણ હોય કે જેને વરસતા વરસાદમાં તૂટેલી ઝૂંપડીમાં બે બાળકો અને પત્નીનાં ફાટેલા કપડાં અને જમવાની ખાલી થાળી જોઈ વરસાદ વરસાવતા ઈશ્વર પર ચડી આવતો ગુસ્સો હોયઠીક એવી જ રીતે વરસાદ ક્યાંક અવસર હોય તો ક્યાંક વરસાદ જ એક અવસાદ પણ બની રહેતો હોય છે. સમગ્ર સૃષ્ટિ માટે વરસાદ એક એક જીવા દોરી સમાન છે. જીવ માત્ર નું જીવન જળ વગર શક્ય નથી.ઋતુઓ દરમિયાન દરિયાનાં ખારા પાણીનું બાષ્પીભવન અને મીઠા પાણીનો વરસાદ. આ સત્ય જીવનના તથ્યને પણ સમજાવી જાય છે. પાણી સમગ્ર જળ તત્વ માંથી પોતાના અસ્તિત્વનો લોપ કરી અને વરાળ સ્વરૂપે અવકાશમાં ગતિમાન થાય છે અને ત્યાં નવાં સ્વરૂપે વાદળ માં બંધાય છેત્યાંથી ફરી પાછું નવ અવતરણ કરી અને પૃથ્વી પર આવે છે.આવું જ ચક્ર જીવ માત્રનું છે.આ આવાગમનની પ્રક્રિયા જ જીવનનો પર્યાય પણ કહી શકાય.વરસાદનું આવવું એ પ્રકૃતિનું તમામ જીવ સાથેનું સમાન તત્વ ગણી શકાય.વરસતો આ વરસાદ તેના દરેક ટીંપા દ્વારા સમગ્ર સૃષ્ટિને એક સંદેશો આપે છે કે, છલકાશે તે ઢોળાઈ જશે અને ખાલી થશે તે ભરાઈ જશે..!બસ ક્યાં કેટલું ભરાવું અને કેટલું છલકાવવું એ વિવેક માનવ સ્વભાવમાં હોવો જોઈએ.દરેક સમય વીતી જવાનો છે. અવકાશમાંથી પડતો છાંટો પૃથ્વી પર આવી અને ફરી જમીનદોસ્ત થઈ જવાનો છે.તેવી જ રીતે ઊંચાઈના અભિમાન પર રહેતા લોકોએ જીવનમાં એક વાર જમીનનો સામનો ચોક્કસ કરવો પડે છે. જીવનની સુખદ ક્ષણો બહુ ટૂંકી હોય છે.
- Advertisement -
તેને જીવી જાણવી જોઈએ સંભાળી રાખશો તો સરકી જશે પણ જીવી લેશો તો અમરત્વને વરેલું સુખદ સંભારણું બની જશે.
કહેવાય છે કે જે પ્રેમી યુગલ નું પ્રથમ મિલન વરસાદમાં થાય છે તે ક્યારેય છૂટા પડતા નથી.તેનું મિલન શાશ્વત બની જતું હોય છે..! આ ઉક્તિનું કોઈ તાર્કિક કારણ તો મળતું નથી. પરંતુ સંવેદનાત્મક કારણ ચોક્કસ એ કહી શકાય કે વરસાદ એ પવિત્રતાની પારાશીશી સમાન હોય છે,અને પ્રેમની પહેલી શરત એટલે જ પવિત્રતા..! વરસાદ શીખવે છે, પ્રેમ ને પામતા પહેલા પ્રિયપાત્ર ને સમર્પિત થઈ જવું પડે છે. પ્રણય ની ઝંખના રાખતા પહેલા પોતાના અસ્તિત્વને પ્રિયપાત્ર પર ઓળ ધોળ કરવું પડે અને ત્યારે જ પ્રણેય સંબંધની શીતળતાને પામી શકાય.કોરા ધાકોર બનેલા હૃદયને પ્રીત નાં રંગે રંગવા માટે પહેલા પરસ્પરનાં આંતર ઉજાશ ને પામવો પડે અને એટલે જ તો કદાચ મેધ નાં ખૂબ વરસ્યા પછી ખાલી થઈ ગયેલું શ્વેતવર્ણી આકાશ પણ મેધધનુષી સપ્ત રંગો ની ચૂંદડી ઓઢે છે..! અને એ દરેક રંગીન સૂર્ય કિરણ જાણે એવું કહેતું હોય કે વરસાદ થી ખીલેલા પ્રણય રંગો અમિટ હોય છે શાશ્વત હોય છે.