સુરેન્દ્રનગર, પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો તો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા-બનાસકાંઠામાં પણ વરસાદ નોંધાયો, કામરેજમાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના 67 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જો આપણે વરસાદના આંકડાની વાત કરીએ તો કામરેજમાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે સુરેન્દ્રનગર, પોરબંદરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો તો ઉત્તર ગુજરાતના સાબરકાંઠા-બનાસકાંઠામાં પણ વરસાદ નોંધાયો હતો.
- Advertisement -
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 67 તાલુકામાં વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા પર નજર કરીએ રાજ્યના 67 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સુરતના કામરેજમાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. સાયલામાં 2 ઇંચ વરસાદ તો મૂળી, દ્વારકા, રાણાવાવમાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે. આ સાથે ગોંડલ, ઘોઘા, કેશોદમાં સવા ઈંચ ઇંચ વરસાદ તો રાણપુર, જેતપુર, ઓલપાડ, હળવદમાં 1 ઈંચ વરસાદ પડ્યો છે.
આ તરફ કોટડા સાંગાણીમાં પોણો ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે રાજ્યના અન્ય તાલુકાઓની વાત કરીએ તો વાગરા, વિજયનગર, માળીયા હાટીનામાં વરસાદ નોંધાયો તો કુંકાવાવ, હાંસોટ, અમીરગઢ, સુરતમાં પણ વરસાદ નોંધાયો છે.
- Advertisement -
રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગની આગાહી વચ્ચે સોમવારે રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો. જેમાં અમદાવાદ સહિત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ત્યારે હવામાન વિભાગે આજે પણ અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થાય તેવી આગાહી કરવામાં આવી હતી.
હળવાથી મધ્યમ વરસાદની આગાહી
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ. કે. દાસે સોમવારે બપોરે જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં ઉત્તર પૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે. આ બંને પરિબળોને કારણે હાલ ગુજરાતમાં વરસાદ થઈ રહ્યો છે. આજે મંગળવારની આગાહીમાં સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ તથા દીવમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે.
બીજી બાજુ બંગાળની ખાડીમાં સિસ્ટમ બુધવાર સુધીમાં ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે. આ વાવાઝોડું ગુરુવારે સવારે ઓડિશા-પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાની નજીક ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી સુધી પહોંચી શકે છે. આ તોફાન ગુરુવારે ઓડિશાના તટીય વિસ્તારમાં લેન્ડફોલ કરી શકે છે. IMDએ જણાવ્યું છે કે આ તોફાન બુધવાર સુધીમાં વધુ મજબૂત બનશે જેને ‘Cyclone Dana’ નામ આપવામાં આવ્યું હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે.
24 ઓક્ટોબર સુધીમાં દાના વાવાઝોડું ઓડિશા-પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડી સુધી પહોંચે તેવી શક્યતા છે. આ તોફાન ઓડિશાના દરિયાકાંઠાના વિસ્તારોમાં તબાહી મચાવી શકે છે. જેને લઇ IMDએ લોકોને સાવચેત રહેવા અને વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા જણાવ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તરી તમિલનાડુ, તટીય આંધ્રપ્રદેશ અને ઓડિશામાં આગામી બેથી ત્રણ દિવસમાં ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના જણાવી છે.