વાડલા ગીર, આંબળાશ ગીર અને સાંગોદ્વા ગીર વિસ્તારમાં નદી-વોંકળામાં પુર આવ્યા: ખેડૂતો માથે આભ ફાટ્યું
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.12
- Advertisement -
તાલાલા પંથકમાં પાંચમા દિવસે પણ કમોસમી વરસાદથી ખેડૂતો માથે આભ ફાટયું હોય તેવી કથિત સ્થિતિ ઊભી થતા જગતનો તાત ચિંતાતુર બની ગયો છે.આજે બપોરના સમયે તાલાલા શહેરમાં મુશળધાર વરસાદ શરૂ થયો જે એક ઈંચથી પણ વધુ ખાબકતા શહેર પાણીથી તરબોળ થઈ ગયું હતું.આ વરસાદ તાલાલા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં દોઢથી બે ઈંચ જેટલો ખાબક્યો હોવાના સમાચાર મળે છે.
તાલાલા પંથકના આંકોલવાડી ગીર વિસ્તારના ગામડા તથા આંબળાશ ગીર વિસ્તારના ગામડાઓમાં પાંચમા દિવસે પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા હોય વાડલા ગીર,આંબળાશ ગીર ગામેથી પસાર થતી નદીઓ તથા સાંગોદ્રા ગીર વિસ્તારમાંથી પસાર થતા વોંકળા માં ભર ઉનાળે પુર આવ્યા હતા.તાલાલા પંથકમાં અવિરત વરસાદ વરસી રહ્યો હોય માવઠાના બદલે ચોમાસું જામી ગયું હોય તેવી સ્થિતિ ઊભી થતા કેસર કેરીના ઉત્પાદક કિસાનોની સ્થિતિ દયનીય બની ગઈ છે.તાલાલા પંથકમાં શરૂ થયેલ કમોસમી વરસાદ ખેડૂતો માટે આફતરૂપ બની રહ્યો છે.અવિરત વરસાદથી તાલાલા વિસ્તારમાં જનજીવન ખોરવાઇ ગયું છે.આખા પંથકમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
પાંચ દિવસ દરમિયાન તાલાલા શહેરમાં અત્યાર સુધીમાં છ થી સાત ઇંચ જેટલો કમોસમી વરસાદ પડ્યો છે.આ વરસાદ તાલાલા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં 10 થી 12 ઇંચ જેટલો વરસાદ ખાબકયો હોવાનું વિવિધ ગામોમાંથી જાણવા મળે છે.ગ્રામ્ય વિસ્તારમાં વધુ વરસાદ થી અનેક ગામના નદી-નાળા છલકાઈ ગયા છે.