જૂનાગઢના રેલવે ફાટક સમસ્યા મુદ્દે એમપી રાજેશ ચુડાસમાએ સંસદમાં ઉઠાવ્યો પ્રશ્ર્ન
શહેરની મધ્યમાં આવેલા ફાટકોથી સ્થાનિક નાગરિકો વર્ષોથી પરેશાન
- Advertisement -
ગીર જંગલમાં મીટરગેજ ટ્રેનનો પ્રશ્ર્ન પણ અધ્ધરતાલ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.3
જૂનાગઢ શહેર પાલિકામાંથી મહાનગર પાલિકા બની તેની સાથે શહેરનો વિસ્તાર પણ વધ્યો અને જન સંખ્યામાં દિવસે દિવસે વધતી રેહવાની એવા સમયે શહેરની મધ્યમાંથી પસાર થતી મીટરગેજ ટ્રેનના 7 ફાટકોની ટ્રાફિક સમસ્યાથી લોકો પરેશાન છે. અને લોકોનું એકજ કેહવું છે કે, પંચાયતથી પાર્લામેન્ટ્રી સુધી ભાજપ સરકારનું રાજ છે ત્યારે આ શહેરમાં આવેલા ફાટકનો પ્રશ્ર્ન સત્વરે ઉકેલાય તેવી વર્ષો જૂની માંગણી છે.અને દરેક ચૂંટણીમાં નેતાઓ વચન આપે છે પણ ફાટક સમસ્યા દૂર થતી નથી ત્યારે હવે જૂનાગઢ સાંસદે જાગૃતા દાખવી સસંદ ફાટકનો પ્રશ્ર્ન મુદ્દે રેલમંત્રી પાસે જવાબ માંગ્યો હતો. જેમાં જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ બુધવારે નવી દિલ્હી સ્થિત સંસદમાં જૂનાગઢ શહેરના ફાટકની સમસ્યા અને સોમનાથ અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેનની માગણી મૂકી હતી. આ બંને બાબતે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે હકારાત્મક વલણ દાખવ્યું છે. જૂનાગઢના મીટરગેજ રેલ ટ્રેક બાબતે સાંસદે લોકસભામાં રેલમંત્રીને સાત ફાટક અંગેનો સવાલ કર્યો હતો. રેલમંત્રીએ આ પ્રશ્ર્નો ઉકેલ લાવવા ખાતરી આપી હતી પરંતુ જો આ કામ શરૂ થાય તો પણ પાંચેક વર્ષથી વધુનો સમય લાગી જાય એમ છે એટલે જૂનાગઢના લોકોએ હજુ ફાટકની સમસ્યા તો આટલા સમય માટે ભોગવવી જ પડશે એવુ ચિત્ર ઉપસે છે. પરંતુ મંત્રીએ સોમનાથથી અમદાવાદ, સુરત, સુધી વંદે ભારત ટ્રેન દોડાવવા અંગેની રજૂઆત બાબતે ફિઝિબિલીટી ચકાસી જવાબ આપવા જણાવ્યુ હતુ. જૂનાગઢમાંથી પસાર થતી મીટર ગેજ રેલવે લાઇનના કારણે સાત સ્થળે ફાટક બંધ થાય છે જેના લીધે ટ્રાફીક સમસ્યા થાય છે લોકસભા અને વિધાસભા ચૂંટણીમાં ભાજપે આવતા વખતે આ ફાટક નહી હોય એવા હોર્ડીગ લગાડયા હતા. હાલ લોકસભામાં શત્ર ચાલી રહ્યું છે ત્યારે સાંસદ રાજેશ ચુડાસમાએ રેલવે મંત્રીને આ સાત રેલવે ફાટકના લીધે થતી સમસ્યાના નિરાકરણ માટે સરકારે કોઇ વિચાર કર્યો છે કે કોઇ યોજના બનાવી છે કે કોઇ આવો પ્રસ્તાવ છે ? એવો સવાલ કર્યો હતો જેના પ્રત્યુતરમાં રેલમંત્રી અશ્ર્વિની વૈષ્ણવે સાંસદના આ પ્રશ્ર્નને વ્યાજબી ગણાવ્યો હતો. આ બાબતે કરેલી રજૂઆત અંગે સાંસદ સાથે વિગતવાર ચર્ચા થઇ છે તેના નિરાકરણનો રસ્તો પણ તેમણે આપ્યો છે. આગામી દિવસોમાં આ મુદ્દાનો ઉકેલ લાવવા ખાતરી આપી હતી. દરમિયાન રેલવેના ટેકનિકલ જાણકારોના મત મુજબ જૂનાગઢના આ સાત ફાટક દૂર કરવા જે બે વિકલ્પ આપવામાં આવ્યા છે એ મુજબ જો કામ શરૂ થાય તો પણ પાંચેક વર્ષ નિકળી જાય એમ છે. આથી હજુ લોકોને ફાટકની સમસ્યામાંથી મુક્ત થવા હજુ રાહ જોવી પડશે અને સાંસદને આ મુદ્દાના નિરાકરણ માટે રેલવે વિભાગની પાછળ પડવુ પડશે. આ ઉપરાંત પ્રથમ આદિ જયોતિર્લીંગ સોમનાથ મહાદેવ, ગીર અને જૂનાગઢ દરવર્ષે લાખો પ્રવાસીઓ અને ભાવિકો આવે છે તેઓની સુવિધા માટે સોમનાથથી અમદાવાદ અને સુરત સુધી વંદેભારત ટ્રેન શરૂ કરવા રજૂઆત કરી હતી. જેના પ્રત્યુતરમાં રેલમંત્રી આ બાબતની નોંધ લઇ ફિઝીબિલિટી ચકાસી તેના વિશે જવાબ આપવા જણાવ્યુ હતુ. વધુમાં રેલમંત્રીએ સોમનાથ સ્ટેશનના નવીનીકરણનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે જે ટુંક સમયમાં પૂર્ણ થઇ જશે તેમ જણાવ્યુ હતુ.
સાસણગીરમાંથી ચાલતી મીટરગેજ ટ્રેનનો પ્રશ્ર્ન હલ કયારે?
જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લો પ્રવાસન ધામ તરીકે વિશ્ર્વ વિખ્યાત છે ત્યારે જૂનાગઢથી દેલવાડા તેમજ અમરેલી વેરાવળ સુધી મીટરગેજ લાઇન ચાલી રહી છે જે સાસણ ગીર જંગલોમાંથી ટ્રેન પસાર થાય છે ત્યારે અનેકવાર આ મીટરગેજ લાઇનને બ્રોડગેજ લાઇનમાં રૂપાંતરીત કરવાની માંગ ઉઠવા પામી છે. ત્યારે વન્યપ્રાણીના પ્રશ્ર્ને વન વિભાગ પણ આ ટ્રેન મુદ્દે પ્રશ્ર્ન ઉઠાવ્યા છે. જ્યારે આ જ મીટરગેજ લાઇનના સાત જેટલા ફાટકો જૂનાગઢ શહેરની મઘ્યમાં આવેલા છે ત્યારે આ ફાટકો અને ગીરમાંથી પસાર થતી મીટરગેજ લાઇન બાબતે અનેકવાર રજૂઆતો થઇ છે પણ હજુ સુધી પ્રશ્ર્નનું ઠોસ નિરાકરણ આવ્યુ નથી. ત્યારે આ મીટરગેજ ટ્રેનનો પ્રશ્ર્ન ક્યારે હલ થશે ?