હાર્ડ મોરમ ભરેલું 1 ટ્રેકટર, 3 ખાલી ટ્રેક્ટર તથા 1 જેસીબી જપ્ત કરાયું
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.14
ગીર સોમનાથ જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગીરગઢડા મામલતદારને મળેલ બાતમીનાં આધારે તંત્ર દ્વારા ગીરગઢડા તાલુકાના ફાટસર ગામ તરફ આકસ્મિત તપાસ હાથ ધરતા, ફાટસર ગામે નિર્મળ તળાવ વિસ્તાર પાસેથી હાર્ડ મોરમ ભરેલ 1 ટ્રેકટર, 3 ખાલી ટ્રેક્ટર તથા 1 જે.સી.બી. સાથેનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ગીરગઢડા તાલુકાના ફાટસર ગામે નિર્મલ તળાવ વિસ્તાર પાસે 1 ભરેલ તથા 3 ખાલી ટ્રેકટર તથા 1 જેસીબી ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી કરતા પકડાયા હતા. પકડાયેલ વાહનો પાસે રોયલ્ટી પાસ / પરમીટ ન હોવાથી આ વાહનો ધોરણસર જપ્ત કરવામાં આવ્યા હતા. આ જગ્યાએ કવોરીલીઝ બાબતે ખરાઈ કરતાં સિંચાઈ વિભાગનાં હસ્તકનાં તળાવમાંથી ફાટસર ગામની કેનાલનાં કામ માટે મોરમ લેવા માટે કોન્ટ્રાકટર અનિરૂધ્ધભાઈ રાઠોડ દ્વારા માટી / હાર્ડ મોરમ ખોદકામ કરવા ભાડેથી જે.સી.બી. ટ્રેક્ટર દ્વારા ટ્રેકટર માલિકને ઓર્ડર મળતા છેલ્લા 4 દિવસથી આ હાર્ડ મોરમની ખોદકામની પ્રવૃત્તિઓ ચાલુ હતી.
રાજ્ય સરકારની હાલની સ્થાયી જોગવાઈઓ મુજબ જંગલ વિસ્તારમાં ખનન પ્રવૃત્તિઓ ગેરકાયદેસર હોવાથી છે. હાર્ડ મોરમ ખનન કરવા માટે ઓર્ડર આપનાર ઈસમ તથા ખનની પ્રવૃતિઓ કરનાર ઈસમો સામે ગુજરાત મીનરલ(પ્રિવેશન ઓફ ઈલીંગલ માઈનીંગ એન્ડ સ્ટોરેજ-ટ્રાન્સપોર્ટેશન) રૂલ્સ-2017 મુજબ ગેરકાયદેસર ખનીજચોરીની અંગે ધોરણસરની કાર્યવાહી ભૂસ્તરશાસ્ત્રીની કચેરી દ્વારા હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત, પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ગીર સોમનાથ દ્વારા મોટર વ્હિકલ એકટ મુજબ વાહનની તપાસ થઈ નિયમોનૂસારના દંડની વસૂલાતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.