કોંગ્રેસે આંતરિક સરવે બાદ લીધો નિર્ણય, 26 એપ્રિલ પછી થશે જાહેરાત
ખાસ-ખબર ન્યૂઝ ઈં નવી દિલ્હી, તા.24
- Advertisement -
રાહુલ ગાંધી અમેઠીથી અને પ્રિયંકા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડે તે નિશ્ચિત છે. કોંગ્રેસે આ બંને બેઠકો પર આંતરિક સર્વે હાથ ધર્યો હતો. તેના અહેવાલના આધારે બંને બેઠકો પર ગાંધી પરિવારના ઉમેદવારોને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જો પ્રિયંકા રાયબરેલીથી ચૂંટણી લડશે તો તે તેની પ્રથમ ચૂંટણી હશે. રાહુલ વાયનાડ (કેરળ)થી ચૂંટણી લડી રહ્યા છે, ત્યાં 26મી એપ્રિલે મતદાન છે. આ પછી કોંગ્રેસ ગમે ત્યારે અમેઠી અને રાયબરેલીથી ઉમેદવારોની જાહેરાત કરશે. બંને સીટો પર નોમિનેશનની છેલ્લી તારીખ 3 મે છે, પાંચમા તબક્કામાં 20 મેના રોજ મતદાન થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર રાહુલ-પ્રિયંકા 30 એપ્રિલ સુધી નોમિનેશન ફાઈલ કરી શકે છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રીએ નામ ન આપવાની શરતે જણાવ્યું- સોનિયા ગાંધી ઈચ્છે છે કે પ્રિયંકાને રાયબરેલી સીટથી અને રાહુલને અમેઠીથી મેદાનમાં ઉતારવામાં આવે. આ અંગે સર્વસંમતિ પણ સધાઈ છે. રાહુલ-પ્રિયંકા પહેલા તો તૈયાર નહોતા, પણ હવે બંનેને મનાવી લેવાયા છે.
અમેઠી-રાયબરેલીથી રાહુલ અને પ્રિયંકાને મેદાનમાં ઉતારવાના 4 કારણ…
1. આંતરિક સર્વે રિપોર્ટ: રાહુલ-પ્રિયંકા ચૂંટણી લડે તો જીતવાની વધુ શક્યતા
અમેઠી અને રાયબરેલી બેઠકો પર માર્ચના પ્રથમ સપ્તાહથી 15 એપ્રિલ સુધી આંતરિક સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં પાર્ટીના કાર્યકરો અને ખાનગી એજન્સીઓએ પણ ભાગ લીધો હતો. પંચાયત કક્ષા સુધી પહોંચીને લોકોના ફીડબેક પણ લેવામાં આવ્યા હતા.
2. અમેઠી-રાયબરેલી પરંપરાગત બેઠકો, વરિષ્ઠ નેતાઓ સહમત
કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓનું માનવું છે કે અમેઠી અને રાયબરેલી કોંગ્રેસની પરંપરાગત બેઠકો છે અને અહીંથી માત્ર ગાંધી પરિવારના સભ્યોએ જ ચૂંટણી લડવી જોઈએ. જો ગાંધી પરિવારને બદલે અન્ય કોઈ ચહેરાને મેદાનમાં ઉતારવામાં આવે તો પાર્ટી હારી શકે છે.
3. અમેઠીમાં સ્મૃતિને લઈને એન્ટી ઈન્કમ્બન્સી, રાહુલને ફાયદો
અમેઠીમાં સાંસદ સ્મૃતિ ઈરાની વિરુદ્ધ પણ એન્ટી ઈન્કમ્બન્સી છે. અહીં રાજ્ય સરકારે સંજય ગાંધી હોસ્પિટલને સીલ કરી દીધી હતી. મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. બાદમાં હાઈકોર્ટે સીલ ખોલવાની સૂચના આપી હતી. જેને લઈને લોકોના મનમાં રોષ જોવા મળી રહ્યો છે.
4. બંને બેઠકો પર અન્ય કોઈ નામની ચર્ચા નથી
શું રાયબરેલી-અમેઠીથી પહેલા કોઈ અન્યનું નામ હતું? આ પ્રશ્ન પર કોંગ્રેસના નેતાઓ ના કહે છે. રાયબરેલી અને અમેઠી બેઠકો પર અત્યાર સુધી કોઈના નામની ચર્ચા થઈ નથી. તેમજ કોઈ વિકલ્પ વિચારવામાં આવ્યો ન હતો.